રાજ્ય સરકારે આપ્યા ધર્મસ્થાનો ખોલવાના સંકેત

રાજ્ય સરકારે આપ્યા ધર્મસ્થાનો ખોલવાના સંકેત
કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરથી શરુઆત
મુંબઈ, તા.12 : અનલૉક અંતર્ગત મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં ધર્મસ્થાનોને ખોલવાની મંજૂરી આપે એવા સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ધર્મસ્થાનો ખોલવાની શરૂઆત કોલ્હાપુરના સુપ્રસિદ્ધ શક્તિપીઠ મહાલક્ષ્મી (અંબાતાઇ) મંદિરથી કરાશે. સરકારે આ માટે નિયમાવલી તૈયાર કરી હોવાનું સૂત્રોએ આજે જણાવ્યું હતું.
કોરોના ટાસ્ક ફોર્સની તાજેતરમાં મુંબઈમાં મળેલી બેઠકમાં રાજ્યના ધર્મસ્થાનો તેમ જ રેસ્ટોરા ફરીથી ખોલવાની ચર્ચા થઇ હતી. અઠવાડિયામાં મંદિરો માટે કોઇ નિર્ણય લેવાવાની તેમ જ શરૂઆત શક્તિપીઠથી થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. 
શક્તિપીઠમાં દર્શન માટે તૈયાર કરાયેલી નિયમાવલી મુજબ મહાલક્ષ્મી મંદિરના ચાર દરવાજામાંથી માત્ર એક જ દરવાજો ભાવીકોને પ્રવેશ અને બહાર નીકળવા માટે ખોલવામાં આવશે. ભાવિકોની સંખ્યા પણ મર્યાદિત રહેશે. દર્શન માટે ભાવિકોને કોરોના સંબંધી સાવચેતીઓ અંતર્ગત મંદિર પરિસરમાં સતત માસ્ક પહેરી રાખવાનું રહેશે. મુખ્ય પ્રવેશદ્વારે થર્મલ ક્રિનિંગ તેમ જ સેનિટાઇઝરની વ્યવસ્થા હશે.
ભાવિકો મંદિર પરિસરમાં પૂજા સામગ્રી કે સાહિત્ય સહિત કોઇ પણ વસ્તુ લઇ નહીં જઇ શકે, ખાલી હાથે જવાનું રહેશે. ભક્તોને ગર્ભગૃહથી દૂરના પીતળના ઉંબરા સુધી જ દર્શન માટે જવા દેવાશે. મંદિરમાં પ્રસાદ વિતરણ પણ બંધ રહેશે.
શક્તિપીઠમાં પરંપરાગત નવરાત્રોત્સવ ઉજવાશે
દેવસ્થાન સમિતીના અધ્યક્ષ મહેશ જાધવે જણાવ્યું હતું કે સરકાર રાજ્યમાં ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી આપશે કે કેમ અને ક્યારે એની કોઇ સ્પષ્ટતા થઇ નથી પરંતુ કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં પરંપરાગત શારદિય નવરાત્રોત્સવ ઉજવવાની મંજૂરી મળી છે. દર વર્ષની જેમ ભાવિકોને પ્રવેશ મળશે કે કેમ એ બાદમાં નક્કી થશે પરંતુ મંદિરમાં માતાજીની પરંપરાગત પૂજા-શણગાર અને ધાર્મિક વિધિઓ કરાશે. સરકારે એમ પણ જણાવ્યું છે કે જો ભાવિકોને મંજૂરી મળશે તો પણ એના નિયમોનું કડકાઇથી પાલન કરવાનું રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer