દસ ભીડભાડવાળા રૂટ પર બેસ્ટ વધારાની 685 બસ દોડાવશે

દસ ભીડભાડવાળા રૂટ પર બેસ્ટ વધારાની 685 બસ દોડાવશે
મુંબઈ, તા. 12 : લોકડાઉન ખૂલ્યા બાદ અૉફિસ જનારાઓને બસ માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાની પ્રવાસીઓની ફરિયાદને પગલે બેસ્ટ પ્રશાસને 10 સૌથી વ્યસ્ત રૂટ પર વધારાની 685 બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આને કારણે ધસારાના સમયે બે હજાર જેટલી વધારાના ફેરાની સુવિધા ઉપલબ્ધ થશે. સૌથી વધુ, 100 બસો 40 લિમિટેડ રૂટ માટે ફાળવાઈ છે. શિવરીથી દાદર-માહિમ થઈ બોરીવલી પશ્ચિમ સુધીના 31.9 કિમી લાંબા રૂટ પર 52 બસસ્ટૉપ છે. 
તો બેકબે ડેપોથી વિક્રોલી સુધીના ક્રમાંક 7 લિમિટેડ રૂટ પર 89 બસો ફાળવી છે. જ્યારે વડાલાથી બોરીવલી વચ્ચેના 440 નંબરના રૂટ પર વધારાની 83 બસો દોડાવાશે. તો અૉફિસ જનારાઓ માટે સુવિધાજનક એવા ઓશિવરા-હુતાત્મા ચોક સુધીના 4 લિમિટેડ રૂટ પર વધારાની 81 બસો દોડાવાશે. 
ટ્રાફિક વિંગના સિનિયર અૉફિસરે જણાવ્યું કે, દરેક રૂટ પર દરેક બસ ત્રણથી છ ફેરા મારતી હોય છે. જોકે, ટ્રાફિક જામ અને ખરાબ રસ્તાઓને કારણે નિર્ધારિત ફેરા થઈ શકતા નથી. ઉપરાંત, જેટલા પ્રવાસીઓ આવે છે એના પ્રમાણમાં બસો ઓછી હોવાથી ભારે ધસારો રહે છે. ભારે ટ્રાફિકને કારણે કામ પર જનારાઓ ભારે હાલાકી ભોગવતા ચારથી પાંચ કલાકે અૉફિસ પહોંચતા હોય છે.  
બેસ્ટના એડિશનલ જનરલ મૅનેજર રાજેન્દ્ર મદનેએ સૂચન કર્યું હતું કે, ભીડને નિયંત્રિત કરવા ખાનગી અૉફિસો અને અન્ય સંસ્થાઓએ તેમની અૉફિસના ટાઇમમાં ફેરફાર કરવો જોઇએ. અત્યારે રોજના 16 લાખ જેટલા લોકો બસમાં પ્રવાસ કરે છે. 
અન્ય રૂટ જ્યાં વધારાની બસો ફાળવાઈ છે. એમાં ચર્ચગેટથી મંત્રાલય-કફ પરેડ અને સાયનથી બેલાર્ડ પિયરનો સમાવેશ થાય છે. અહીં એસી બસ સહિત 60 બસો દોડી રહી છે. 
સાયન-થાણેના સી-42 એક્પ્રેસ રૂટ પર 54 બસો દોડાવાઈ રહી છે જ્યારે માહિમ-ગોરાઈના 202 લિમિટેડ રૂટ પર 45 અને જુહુ-દહિસરના રૂટ ક્રમાંક 203 પર 44 બસો દોડાવાઈ રહી હોવાનું બેસ્ટના પ્રવક્તા મનોજ વરાદેએ જણાવ્યું હતું. 
શુક્રવારે બેસ્ટ યુનિયને જાહેર કર્યું હતું કે બસના ડ્રાઇવર અને કંડક્ટર સોમવારે બપોરે રેડ બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરશે. યુનિયનના નેતા શશાંક રાવે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે ઇન્સ્પેક્ટર કંડક્ટર્સને વધુ પ્રવાસીઓ લેવાનો આગ્રહ કરતા હોય છે.
બેસ્ટની બસમાં ભીડ સામે યુનિયનનો વિરોધ 
બેસ્ટ ડેપોના સંખ્યાબંધ મેનેજરો ધસારાના સમયે ડ્રાઈવર અને કન્ડકટરને બસને સંપૂર્ણ ભરવાની સૂચના આપે છે. યુનિયનના નેતાઓએ આનો જોરદાર વિરોધ કર્યો છે. આ નેતાઓ કહે છે કે મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આનાથી બેસ્ટના કર્મચારી અને લોકોમાં કોરનાનો ઝડપથી  પ્રસાર થશે. અમે 14 સપ્ટેમ્બરે આની સામે દેખાવો યોજીશું.  
અગઉ બેસ્ટની બસમાં દરેક હરોળમા ફક્ત બે જણને બેસવાની છૂટ અપાતી હતી અને ફક્ત સાત-આઠ ઝણને સ્ટન્ડિગની છૂટ અપાતી હતી. હવે તો બેસ્ટના મેનેજરો સોશિયલ ડિસ્ટન્સિગનો ખ્યાલ રાખ્યા વિના પીક અવર્સમાં આખી બસ ભરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer