નિયમોની અવગણના કરી શ્રીલંકાથી કાળા મરીની આયાત યથાવત

નિયમોની અવગણના કરી શ્રીલંકાથી કાળા મરીની આયાત યથાવત
હવાલા અથવા મની લૉન્ડરિંગ થતું હોવાની આશંકા : કિશોર શામજી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : આયાતમાં છૂટછાટનો ગેરલાભ ઉઠાવીને કાળા મરીની થઈ રહેલી આયાત બંધ કરવા અને ઘરઆંગણાના વેપારીઓ અને ઉત્પાદકોને થઈ રહેલા અન્યાયને અવાજ આપવા ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોર્ટિયમના કેરળ ચેપ્ટરના કો-ઓર્ડિનેટર કિશોર શામજીએ છેડેલા જંગને તાજેતરના આંકડાનો ટેકો મળ્યો છે. કાળા મરીની આયાતના જાન્યુઆરીથી અૉગસ્ટ, 2020ના આંકડા જોઈએ તો કુલ 1900 ટનની આયાતમાંથી રૂા. 500થી ઊંચા ભાવે 439 ટન આયાત શ્રીલંકાથી કરવામાં આવી છે. આ ગાળામાં 4000 અમેરિકન ડોલર લેખે 75.06 લાખ ડોલર્સ એટલે કે હાલના રૂા. 75 પ્રતિ ડોલરના વિનિમય દરને હિસાબે રૂા. 56.82 કરોડ હવાલા કે મની લોન્ડારિંગ મારફતે દેશમાંથી ટ્રાન્સફર કરાયા હોવાની આશંકા કિશોર શામજીએ વ્યક્ત કરી છે. 
આટઆટલી રજૂઆતો તેમજ ઘરઆંગણે કાળા મરીનો ભાવ પ્રતિ કિલો રૂા. 300-350 જેટલો હોવા છતાં લઘુતમ આયાત ભાવ પ્રતિ કિલો રૂા. 500 હજુ પણ યથાવત્ છે. રસપ્રદ વાત એ છે કે અગાઉ વિયેતનામથી મોટા પાયે કરાયેલી આયાત 70 ટકાના સામાન્ય વેરાને સ્થાને આસિયાન હેઠળ 50 ટકા ડ્યૂટી ચૂકવીને કરવામાં આવી હતી તે ફરી બેંગ્લોરના રસ્તે સક્રિય થઈ હોય તેમ જણાય છે અને બેંગ્લોર ઈનલેન્ડ કન્ટેઇનર ડિપો (આઈસીડી)થી શ્રીલંકાથી રૂા. 500ના લઘુતમ આયાત ભાવે આયાત કરાઈ છે. એટલે, જૂના ખેલાડીઓ મરીની આયાતમાં ફરી સક્રિય બન્યા હોવાનું જણાય છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) મારફતે ભારત સરકાર આ આયાત બાબતે વાણિજ્ય મંત્રાલય હેઠળના આઈએસએફટીએ અને સાફ્ટા દ્વિપક્ષીય સમજૂતીઓ હેઠળ તપાસ કરી રહી છે, છતાં તેણે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે મની લોન્ડારિંગ કે હવાલાની આશંકા ધરાવતી, મોટા પાયે વિદેશી હૂંડિયામણ ઘસડી જતી આ આયાત બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.  
કન્સોર્ટિયમ દ્વારા આ મુદ્દો ડીજીએફટીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું જણાવતાં કિશોર શામજી કહે છે કે અૉગસ્ટ મહિનામાં રૂા. 500 પ્રતિ કિલોથી ઊંચા ભાવે શ્રીલંકાથી કાળા મરીની આયાત કરનારા વેપારીઓમાં ભિખન લાલ રાજ કુમાર ઓવરસીઝ (15,000 કિલો), આદર્શ ટ્રાડિંગ કન્સર્ન્સ (14,000 કિલો), આરકે ઓવરસીઝ, રોઝ મેરી ઈન્ટરનેશનલ (30,000 કિલો), સધર્ન ટ્રેડ લિન્ક્સ, એન એન્ડ એન ટ્રેડર્સ, વિનસ ઈમ્પેક્સ, યમુના ટ્રેડર્સ, ફિરદોસ ઈન્ટરનેશનલ ટ્રાડિંગ, શ્રી બાલાજી ટ્રેડર્સ, સાઈ કૃપા એસોસીએટ્સ અને ગ્લોબલ મેટ્રો સામેલ છે. આ વેપારીઓએ અગાઉની માફક જ તુતિકોરિન, ન્હાવાશેવા, ચેન્નાઈ સી અને તુઘલકાબાદ બંદરેથી આયાત કરી છે. તેમાં બેંગ્લોર આઈસીડીનો ઉમેરો થયો છે. અૉગસ્ટમાં જ પ્રતિ કિલો રૂા. 500 કરતાં નીચા ભાવે વિયેતનામ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, બ્રાઝિલ, ઈક્વાડોરથી કાળા મરીની આયાત થઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer