મુંબઈમાં રેડી રેકનર દરમાં નજીવો ઘટાડો

રાજ્યમાં સરેરાશ 1.74 ટકાનો વધારો
મુંબઈ, તા. 12 : રાજ્યમાં મિલકતોનાં રેકનર (આરઆર)ના દરમાં મહારાષ્ટ્ર સરકારે સરેરાશ 1.74ટકા જેટલો વધારો કર્યો છે, આમ છતાં મુંબઈ શહેરમાં આ દરમાં -0.6 ટકા જેટલો નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા દર શનિવારથી અમલમાં આવી ગયા છે.
રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે રેડી રેકનરના સુધારેલા દર પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ 3.9 ટકાનો વધારો પુણે જિલ્લામાં કરવામાં આવ્યો છે. એ બાદ રાયગઢ અને નંદુરબાર જિલ્લાઓમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આરઆર દર સ્થાવર મિલ્કતોની સ્ટાન્ડર્ડ કિંમત દર્શાવે છે. એપ્રિલ 2017માં આ દરમાં છેલ્લે ફેરફાર કરાયો ત્યારપછી હાલ આ સુધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રેડી રેકનર દર 1 લી એપ્રિલથી અમલમાં આવતા હોય છે પરંતુ કોવિડ મહામારી ફાટી નીકળતાં એ અંગેની જાહેરાત મોકૂફ રાખવામાં આવી હતી. મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે આર આર દરમાં સુધારો કરવાનો હતો અને નિયમમાં ફેરફાર કરાયા બાદ સૌ પ્રથમવાર કેટલાક વિસ્તારોમાં ભાવમાં ઘટાડો પણ કરાયો છે. અમે વ્યવહારુ રીતે દર નક્કી કર્યો છે.અમે જોયું કે ઘણા વિસ્તારોમાં ભાવ સતત ઊંચા હતા, આથી ત્યાં અને તેને તર્કસંગત કર્યા છે,એમ તેમણે જણાવ્યું હતું.
પુણે જિલ્લામાં મહત્તમ સોદાઓ થયા હતા. આથી ત્યાં દર વધારવામાં આવ્યા છે, એમ ઈન્સપેક્ટર જનરલ અૉફ રજિસ્ટ્રેશન ઍન્ડ સ્ટેમ્પસ ઓમપ્રકાશ દેશમુખે જણાવ્યું હતું.
સરકારના નિર્ણયથી રિયલ એસ્ટેટમાં નિરાશા 
મુંબઈના બીલ્ડર સંજય દેવનાનીએ જણાવ્યું હતું કે, આરઆરનો દર વધારો રિયલ્ટી ક્ષેત્ર માટે ફટકા સમાન છે કારણ કે આ ક્ષેત્ર દરમાં ઘટાડો માગી રહ્યું હતું. અમે વધુ ઘટાડો ઈચ્છતા હતા. રિયલ એસ્ટેટ ટકી રહી એ અર્થતંત્ર માટે મહત્ત્વનું છે.
`નારેડકો અને એસીકેમ' ના પ્રમુખ નિરંજન હિરાનંદાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દર ઘટાડશે એવી અપેક્ષા હતી. પરંતુ તેણે દર વધાર્યા છે. આના કારણે નવા પ્રોજેક્ટોને અસર થશે.
 સરકારે મુંબઈના રેડી રેકનરના દર નજીવા  ઘટાડ્યા  હતા, પરંતુ આ સાથે મુંબઈ  મેટ્રોપોલિટન રીજનના દર વધાર્યા હતા. આનાથી રીયલ એસ્ટેટમાં હતાશાનું મોજું ફેલાયું હતું. મુંભઈના  મોટા  ભાગ ના બિલ્ડરના મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં પણ પ્રોજેક્ટ ચાલે છે. મુંબઈના રેડી રેકનર દર 0.6 ટકા ઘટાડવામાં આવ્યા હતા,જ્યારે એમએમઆર સહિત શેષ મહારાષ્ટ્રના દર 1.74 ટકા વધારવામાં આવ્યા હતા. જોકે સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ખાતાએ માહિતી આપી છે કે જો સરકાર દિપક પારેખ સમિતીની ભલામણ સ્વીકારશે તો મુબઈના  રેડી રેકનરના દર હજી બે ટકા ઘટશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer