સંજય રાઉતને ધમકી આપનારે ઉદ્ધવ અને પવારને પણ ધમકી આપી હતી

દુબઈ કનેકશનની તપાસ ચાલુ  
મુંબઈ, તા. 12 : શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ફોન પર ધમકી આપવાના આરોપસર કોલકાતામાંથી પકડવામાં આવેલા આરોપીએ જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ચીફ શરદ પવારને પણ ધમકીઓ આપી હતી, એમ મહારાષ્ટ્ર એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ શનિવારે કહ્યું હતું. આરોપી પલાશ બોઝે ફોન પર દાઉદની ગેંગના નામે ધમકી આપી હતી. 
એટીએસના અધિકારીએ કહ્યું હતું કે આરોપી દુબઈમાં 15 વર્ષ રહી આવ્યો છે અને થોડા વર્ષ પહેલા કોલકાતા પાછો આવ્યો હતો. દુબઈમાં તેણે જે સીમ કાર્ડ ખરીદ્યું હતું એનાથી તેણે ધમકીના ફોન કર્યા હતા. દુબઈમાંના તેના કનેકશનની પણ તપાસ શરૂ કરાઈ છે. 
કોલકાતા પોલીસે શુક્રવારે કહ્યું હતું કે સંજય રાઉતને ધમકી આપવા બદલ મુંબઈ પોલીસની ટીમે ટોલીગંજ વિસ્તારમાંથી પલાશ બોઝની ધરપકડ કરી છે. તેણે ધમકી આપવા ઈન્ટરનેટ કોલ કર્યો હતો. સંજય રાઉતની ફરિયાદને પગલે મુંબઈ પોલીસ આઈપી એડ્રેસના આધારે આરોપી સુધી પહોંચી શકી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer