યાકુબ મેમણની કબર વેચવાના મામલે બે જણ સામે કેસ નોંધાયો

મુંબઈ, તા. 12 : મુંબઈના 1993નાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાના કેસમાં એક માત્ર ફાંસીએ ચડાવાયેલા આરોપી યાકુબ મેમણની કબર વેંચી નાખવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે 19 માર્ચે બે જણ સામે કેસ નોંધ્યો હતો. બે આરોપીઓમાંથી એક જુમા મસ્જિદ ઓફ બૉમ્બે ટ્રસ્ટનો ટ્રસ્ટી છે જ્યારે બીજો આ ટ્રસ્ટનો મેનેજર છે, એમ આજે પોલીસે કહ્યું હતું.
નાગપુરની સેન્ટ્રલ જેલમાં યાકુબને ફાંસી આપવામાં આવી એ બાદ તેને 2015ની 30 જુલાઈએ મરીન લાઈન્સનાં બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. આ જ બૉમ્બ ધડાકાના બીજા આરોપી ટાઈગર મેમનનો એ નાનો ભાઈ હતો.
પશ્ચિમનાં પરાંનાં બિઝનેસમૅન અને યાકુબના પિતરાઈ મોહમ્મદ અબ્દુલ રૌફ મેમનને એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યાકુબ મેમન ઉપરાંત આવી ત્રણ જણની કબરો પણ સંયુક્તરીતે પાંચ લાખ રૂપિયામાં વેંચી નાંખવામાં આવી છે.આ સંબંધમાં 19 માર્ચે કેસ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ એ બાદ એક બે દિવસમાં જ પોલીસ કોરોના મહામારીની ફરજમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
પોલીસ હવે બૉમ્બે ટ્રસ્ટની જુમા મસ્જિદના ટ્રસ્ટીઓ જાઝીલ નવરંગે અને પરવેઝ સરકાર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. મુસ્લિમ બડા કબ્રસ્તાન બૉમ્બે ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર થયું છે. કબ્રસ્તાનની મિલ્કતો 1995ના વકફ કાયદા હેઠળ વકફ બોર્ડમાં રજિસ્ટર થયેલી છે અને તે વેંચી કે ખરીદી શકાય નહીં, કબ્રસ્તાનમાંની કબરો પરિવારોને ફક્ત જાળવણી માટે જ આપવામાં આવતી હોય છે.
રૌફે જણાવ્યું હતું કે અમારા પરિવારની સાત કબર છે અને કોઈ પરિવારજનનું મૃત્યુ થાય તો તેમને આ કબરોમાં દફનાવવામાં આવે છે. મેં જ્યારે મેઈનટનન્સ ફી અંગે તપાસ કરવા કબ્રસ્તાનમાં સંપર્ક સાધ્યો ત્યારે મને જાણવા મળ્યું કે સાતમાંથી ચાર કલર (અૉટા) ફ્યાઝ મરચન્ટ અને અંજુમ મરચન્ટને વેંચી નાંખવામાં આવી છે. મરચન્ટ મેમનનાં દૂરનાં સગાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer