મહારાષ્ટ્રમાં કોવિડ-19ના દરદીઓની સંખ્યા દસ લાખની પાર, છેલ્લા પખવાડિયામાં 48 ટકાનો વધારો

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો શુક્રવારે દસ લાખને વટાવી ગયો હતો. એટલું જ નહીં, શુક્રવારે એક જ દિવસમાં રેકર્ડ કહી શકાય એટલા 24,886 કેસ નોંધાયા હતા. વિશ્વભરમાં રોજના સરેરાશ બે લાખ કેસ નોંધાય છે એ હિસાબે દરેક આઠમો દરદી મહારાષ્ટ્રનો ગણી શકાય. વિશ્વમાં ચોથા ક્રમાંકે આવતા રશિયામાં અત્યાર સુધીમાં 10.5 લાખ કેસ નોંધાયા છે એટલે મહારાષ્ટ્ર એનાથી માત્ર થોડું છેટું રહ્યું છે. 
રાજ્યમાં 10,15,681 કેસ નોંધાયા હોવાનું રાજ્ય સરકારના આંકડાઓ દર્શાવે છે. શુક્રવારે 442 દરદી મૃત્યુ પાયા હતા. એ સાથે રાજ્યનો કુલ મરણાંક વધીને 28,724 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં 28 અૉગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન 2.5 લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 14થી 27 અૉગસ્ટ દરમિયાન 1.7 કેસ નોંધાયા હતા. એનો મતલબ છેલ્લા એક પખવાડિયામાં કોવિડ-19ના કેસમાં 48 ટકાનો વધારો થયો છે. એમાંય છેલ્લા પાંચ દિવસમાં એક લાખ નવા કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં ઓર વધારો થયો છે.
 રાજ્યમાં પાંચ લાખ કેસ માત્ર 35 દિવસમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 8 અૉગસ્ટે પાંચ લાખ કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યારે માત્ર પાંચ દિવસમાં એક લાખ નવા કેસ નોંધાય છે. 
મહારાષ્ટ્રમાં આજની તારીખે કોરોના બેકાબુ બન્યો હોવાનું રાજ્ય સરકારના ડૉક્ટરે જણાવ્યું. જોકે, રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્યના કહેવા મુજબ, ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટ ફોર્મ્યુલાને કારણે આંકડો ફરી નિયંત્રણમાં આવશે. 
આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે કેસમાં થઈ રહેલો વધારો ચિંતાનું કારણ છે. જોકે, તેમણે જણાવ્યું કે ટેસ્ટિંગમાં થયેલા વધારાને કારણે વધુ કેસ બહાર આવી રહ્યા છે. જેમ જેમ વધુ સેક્ટર ખોલતા જઇશું તેમ ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારાશે જેથી કેસની જાણ થતાં તુરંત સારવાર આપી શકાય. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 50 લાખ કરતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 
રાજેશ ટોપેએ વધુમાં જણાવ્યું કે રાજ્યએ મૃત્યુ દર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ સાથે સરળતાથી બેડ અને અૉક્સિજન ઉપલબ્ધ થાય એના પર લક્ષ્ય અપાઈ રહ્યુ છે. શુક્રવારે રાજ્યમાં મૃત્યુનો દર 2.8 ટકા હતો જે દેશના 1.7 ટકા કરતા ઘણો વધુ છે. અમે અૉક્સિજનનો 80 ટકા પુરવઠો હૉસ્પિટલોમાં આપવાનો નિર્ણય લીધો હોવાથી અૉક્સિજન પુરવઠામાં પડી રહેલી તકલીફ દૂર થશે. 
મુંબઈમાં પણ પરિસ્થિતિ સારી છે એમ કહી શકાય નહીં, ધારાવીમાં 52 દિવસ બાદ 33 નવા કેસ નોંધાયા છે. આ અગાઉ 19 જુલાઈએ 36 કેસ નોંધાયા હતા. 
મુંબઈમાં રોજના કેસમાં શુક્રવારે થોડો ઘટાડો નોંધાયો છે પણ મરણાંક 38થી વધીને 44 પર પહોંચ્યો છે. 44માંથી 26ને અન્ય બીમારી પણ પણ હતી તો 34 મૃતકો 60 કરતા મોટી વયના હતા. અત્યાર સુધીમાં મુંબઈમાં 1.65 લાખ કેસ નોંધાયા છે તો 8067 કોવિડના દરદી મૃત્યુ પામ્યાં છે. શહેરનો ડબાલિંગ રેટ 25 અૉગસ્ટે 93 દિવસ પર પહોંચ્યો હતો એ શુક્રવારે ઘટીને 58 દિવસ થયો હતો. મહારાષ્ટ્રમાં 2,71,566 એક્ટિવ કેસ છે તો મુંબઈમાં 27,624 કેસ છે. 
મુંબઈ બાદ સૌથી વધુ કેસ અને મૃત્યુ પુણે રિજનમાં નોંધાયા છે. ત્યાર બાદ નાશિક, નાગપુર અને કોલ્હાપુર ખાતે કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 
જોકે, રાજ્ય માટે સૌથી રાહતની વાત એ છે કે સતત બીજા દિવસે 14 હજાર દરદીઓ સાજા થયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer