ચોથા માળેથી નીચે પડતાં એમએમઆરડીએના અધિકારીનું મૃત્યુ

ચોથા માળેથી નીચે પડતાં એમએમઆરડીએના અધિકારીનું મૃત્યુ
આપઘાત કે આકસ્મિક મૃત્યુ એની તપાસ પોલીસ કરી રહી છે
મુંબઈ, તા. 1 : એમએમઆરડીએના પંચાવન વર્ષિય અધિકારી કુલવેન્દ્રાસિંહ કપૂરનું આકસ્મિક નિધન થયું છે. કપૂર પરિવાર સાથે બાંદ્રા કુર્લા સંકુલની એક બિલ્ડિંગમાં રહેતા હતા. શુક્રવારે રાત્રે ચોથા માળે આવેલા પોતાના ફ્લેટમાંથી નીચે પડતા કપૂરનું અવસાન થયું હતું.
એ સમયે તેમનાં પત્ની અને પુત્ર ઘરમાં જ હતા.  પોલીસ આ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુનો કેસ છે તેની તપાસ કરી રહી છે. સિક્યુરિટી ગાર્ડ, કપૂરના પત્ની અને પુત્ર તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, તેમને દાખલ કરાયા એ પહેલા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
કપૂર એમએમઆરડીએમાં જોડાતા પહેલા વેસ્ટર્ન રેલ્વેમાં કામ કરતા હતા અને ગયા વર્ષે બે જુલાઈથી એમએમઆરડીએમમાં કાર્યરત હતા. બીકેસી પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતદેહને પરીક્ષણ માટે સાયન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને અકસ્માત મોતની નોંધ કરીને તપાસ ચાલુ હોવાનું બીકેસી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર આનંદ મુલયેએ જણાવ્યું છે.  એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર આર. એ. રાજીવે કપૂરના અવસાન પર ઉંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં એમએમઆરડીએ કપૂર પરિવારની સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer