કલ્યાણમાં મટકાકિંગ મુન્નાની હત્યા કરાઈ : ચાર આરોપી ફરાર

કલ્યાણમાં મટકાકિંગ મુન્નાની હત્યા કરાઈ : ચાર આરોપી ફરાર
કલ્યાણ, તા. 1 : કલ્યાણના સ્ટેશન પરિસરની નીલમ ગલીમાં જીજ્ઞેશ ઠક્કર ઉર્ફ મટકાકિંગ મુન્નાની અજ્ઞાત ઇસમોએ ગોળી મારીને હત્યા કરી હતી. મહાત્મા ફુલે પોલીસ સ્ટેશને આપેલી માહિતી પ્રમાણે પોલીસે ઘાયલ જીજ્ઞેશને ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ ફોર્ટિસ હૉસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો. જીજ્ઞેશની હત્યા આરોપી ધર્મેશ ઉર્ફે નન્નુ નિતીન શાહ અને જયપાલ ઉર્ફ જાપાન સહિત બીજા બે જણે કરી હતી. આ ચારે આરોપીને પોલીસ શોધી રહી છે. પોલીસે તપાસ માટે પાંચ ટુકડીની રચના કરી છે. જીજ્ઞેશ પોતાના કલ્યાણના ઘરે જવા અૉફિસમાંથી બહાર આવ્યો હતો ત્યારે તેની રાહ જોઈ રહેલા અજ્ઞાત હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેના પર પાંચ ગોળીઓ છોડાઈ હતી. આરોપીએ કોઈ વચ્ચે આવશે તેને ઉડાવી દેશે એવી ધમકી આપી હતી.
જીજ્ઞેશ અને નન્નુ શાહ બાળપણના મિત્રો છે. શાહ વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ ચોરી જેવા 15-20 ગંભીર ગુનાઓ દાખલ થયા છે. જીજ્ઞેશ વિરુદ્ધ ખંડણી અને ચોરી જેવા પાંચ ગંભીર ગુના હતા. એક ખંડણીના ગુનામાં બન્ને સહઆરોપી હતા. 29 જુલાઈએ નન્નુ શાહના મિત્ર ચેતન પટેલ અને જીજ્ઞેશ વચ્ચે ગાળો ભાંડવાનો અને હાથોહાથની મારામારીનો બનાવ બન્યો હતો. પટેલની ફરિયાદને આધારે જીજ્ઞેશ, સઉદ અકરમ શેખ, મનીષ શ્યામજી ચવ્હાણ વિરુદ્ધ અદખલપાત્ર ગુનો નોંધાયો હતો. જીજ્ઞેશે પણ ફરિયાદ લખાવી હતી અને આના આધારે ચેતન પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. નન્નુએ આને લીધે જીજ્ઞેશની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ રેલવે પરિસરના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer