સોનિયાના નામે શપથ લેનારાઓ પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય? : આશિષ શેલાર

સોનિયાના નામે શપથ લેનારાઓ પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય? : આશિષ શેલાર
મુંબઈ,તા. 1 : સોનિયા ગાંધીના નામે શપથ લેનારાઓ પાસે બીજી શું આશા રાખવી, એવા આકરા શબ્દોથી ભાજપના નેતા આશિષ શેલારે 1975-77ના વર્ષોમાં કટોકટીનો વિરોધ કરીને જેલવાસ વેઠનારાઓ માટે ફડણવીસ સરકારે શરૂ કરેલી પેન્શન યોજનાને બંધ કરવાના ઠાકરે સરકારના નિર્ણયની આકરી ટીકા કરી હતી.  
દેવેન્દ્ર ફડણવીસની મહારાષ્ટ્ર સરકારે કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનારા લોકો માટે માનદ પેન્શન યોજના શરૂ કરી હતી. ઇંદિરા ગાંધીની સરકારે લાદેલી કટોકટી વિરુદ્ધ લોકશાહીના જતન માટે 1975 થી 1977 દરમિયાન જેલવાસ વેઠનારાઓ માટે આ પેન્શન યોજના શરૂ કરાઇ હતી.  યોજના પ્રમાણે એક મહિનાથી વધુ જેલવાસ વેઠનારાઓને રૂ.10,000 નું માસિક માનદ પેન્શન આપવામાં આવતું હતું. આ યોજનાનો અમલ જાન્યુઆરી 2018 થી શરૂ થયો અને રાજ્યના 3267 લોકોને આનો લાભ મળ્યો હતો. સરકાર તરફથી રૂપિયા 29 કરોડની જોગવાઇ કરાઇ હતી.. જો કે આ લાભ માટે કોઈ દસ્તાવેજો જરૂરી ન હતા, ફક્ત એફિડેવિટના આધારે સિનિયર સિટિઝનોને લાભ આપવામાં આવ્યો હતો.  
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સહિયારી સરકાર રાજ્યમાં સત્તા પર આવ્યા પછી આ યોજનાનો વિરોધ શરૂ થયો હતો. ઉર્જા પ્રધાન નીતિન રાઉતે આ યોજના બંધ કરવાનું ખુલ્લેઆમ આહ્વાન કર્યું હતું. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગે પણ નકારાત્મક અભિપ્રાય અહેવાલ આપ્યો ત્યારથી, યોજના બંધ કરવાની હતી. છેવટે, કોરોના દ્વારા થતાં આર્થિક સંકટના કારણે આ યોજનાને બંધ કરાયાનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. 
આશિષ શેલરે સરકારના નિર્ણયના આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકારના ત્રણેય પક્ષોના ટોચના નેતાઓ દ્વારા તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા તેમાં શિવસેનાના નેતાઓ અને ધારાસભ્યોએ સોનિયા ગાંધીના નામે શપથ લીધા હતા. શેલારે કહ્યું સોનિયા ગાંધીના નામ પર શપથ લેનારા લોકો ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સી વિરુદ્ધ લડેલાઓને પેન્શન કેવી રીતે આપે?

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer