હવે માસ્ક અને સેનિટાઇઝર્સના ભાવ નિયંત્રણમાં લેવા સરકારે કમિટી બનાવી

મુંબઈ, તા. 1 : રાજ્ય સરકારે કોરોના સામેના યુદ્ધમાં અનિવાર્ય બની ગયેલા માસ્ક અને સેનિટાઈઝર્સની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે આરોગ્ય વિભાગની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ ટૂંક સમયમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર્સના ભાવ નિયંત્રણમાં લેશે.  
આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસના આદેશ અનુસાર માસ્ક અને સેનિટાઇઝરના ભાવ નક્કી કરવા રાજ્ય આરોગ્ય બાંયધરી મંડળીના પ્રમુખ ડો. સુધાકર શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે, જેમાં હાફકિનના મેનાજિંગ ડિરેક્ટર, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જોઈન્ટ કમિશનર અને આરોગ્ય નિયામકનો સમાવેશ થાય છે. કમિટી ટૂંક સમયમાં સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે અને માસ્ક અને સેનિટાઇઝરોના દર ઘટાડીને નિયંત્રણમાં રાખવામાં આવશે, એમ વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 
ખાનગી હૉસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓને નકારી કાઢવા અને મસમોટા બિલ વસૂલવાની લૂંટની ફરિયાદો બાદ સરકારે ખાનગી હૉસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે પથારી ઉપલબ્ધ કરાવવા અને સારવારના ખર્ચ નક્કી કર્યા હતા.  કેન્દ્ર સરકાર પણ આ બધા માટે ગંભીર હતી અને સમયે સમયે તમામ રાજ્યો માટે દર નિયંત્રણમાં લાવવા અને દર્દીઓની સુવિધા માટે જરૂરી આદેશો જારી કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે કેન્દ્ર સરકારની સૂચનાઓ અને આદેશોને ધ્યાનમાં લઈને રાજ્યની ખાનગી હૉસ્પિટલમાં 80 ટકા પથારીનો કબજો લેવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ, હૉસ્પિટલ દ્વારા થતી લૂંટને ધ્યાનમાં લઈને, કઇ બીમારીની સારવાર માટે કેટલો ચાર્જ લેવો એ નક્કી કર્યું હતું. 
બાદમાં મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. સુધાકર શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને કોરોના ટેસ્ટનો દર 4500 રૂપિયાથી ઘટાડીને 2200 રૂપિયા કરવામાં આવ્યો છે.  
એક માસ્ક રૂ. 5-10 અથવા રૂ. 25માં મળવું જોઇએ પરંતુ રૂ .50 થી રૂ .150માં વેચાય છે. સેનિટાઇઝરોના ભાવમાં પણ મનફાવે એટલો વધારો કરવામાં આવ્યો હતો. 24 મી માર્ચે 200 મીલી સેનિટાઇઝર માટે 100 રૂપિયાથી વધુ નહીં લેવાનો ઓર્ડર પણ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ 30 જૂને, કેન્દ્ર દ્વારા આ બંને ચીજોને આવશ્યક કાયદામાંથી દૂર કર્યા પછી, આ ઉત્પાદનોની કિંમતો ફરી વધી. આની સામે જન હિતની અરજી દાખલ કરાઇ હતી. બાદમાં કેન્દ્રએ પીપીઈ કિટ્સ અને એન 95 માસ્કના ભાવ નિયંત્રિત કરવા માટે પગલાં લીધા હતા અને રાજ્યોને પણ આવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer