સુશાંત કેસની તપાસમાં મુંબઈ પોલીસની ક્ષમતા પર સવાલ ન કરો : મુખ્ય પ્રધાન

મુંબઈ, 1 ઓગસ્ટ (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની તપાસ કરવામાં મુંબઈ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવા અયોગ્ય છે. 
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ કેસની તપાસ કરવામાં સક્ષમ છે, ઠાકરેએ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢતાં કહ્યું કે, ભાજપના આ નેતા પાંચ વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા હોવા છતાં મુંબઈ પોલીસની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. ઠાકરેએ આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષ ઇન્ટરપોલ અથવા નમસ્તે ટ્રમ્પના અનુયાયીઓને પણ તપાસમાં લાવી શકે છે. ફડણવીસે સમજવું જોઈએ કે આ એ જ પોલીસ છે કે જેમની સાથે તેમણે છેલ્લા પાંચ વર્ષ કામ કર્યું હતું. 
ફડણવીસે કહ્યું હતું કે રાજપૂતનાં મૃત્યુ મામલે મની લોન્ડારિંગ એન્ગલ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તપાસ કરવી જોઇએ અને આ કેસ સીબીઆઈને સોંપવા અંગે `ભારે લોક લાગણી` છે, પરંતુ રાજ્યની ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર આવું નથી ઇચ્છતી. 
ઠાકરેએ જણાવ્યું હતું કે હાલમાં મુંબઈ પોલીસ કોરોના સામે યુદ્ધ લડી રહી છે અને જવાનો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવો એ તેમનું અપમાન છે અને હું આની નિંદા કરું છું. ઠાકરેએ કહ્યું કે, જો કોઈની પાસે રાજપૂત મૃત્યુ કેસ સંબંધિત કોઈ પુરાવા હોય તો તે મુંબઇ પોલીસ સમક્ષ લાવી શકે છે. અમે દોષિતોને સજા કરીશું. આ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહારના તરીકે ન જુઓ.  મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ તાજેતરમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસ સુશાંતના કેસની તપાસ માટે સક્ષમ છે અને સીબીઆઈ તપાસની જરૂર નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer