પાલઘર સાધુ હત્યા કેસ : પોલીસને ટોળાંનો ભય લાગતા નિક્રિય રહી

મુંબઈ, તા. 1 : એપ્રિલ મહિનામાં પાલઘરમાં ટોળાંએ બે સાધુ અને તેમનાં ડ્રાઈવરને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે ત્યાં પોલીસો હાજર હતા પણ તેમને પણ ટોળું મારી નાંખશે એવા ભયથી તેમણે દરમિયાનગીરી કરવાનું ટાળ્યું હતું, એમ ઘટના સ્થળે ઉપસ્થિત સૌથી વરિષ્ઠ પોલીસ અધિકારીએ તપાસકર્તાઓને જણાવ્યું છે.
16 એપ્રિલની રાતે પાલઘરનાં ગડચીંચલે ગામમાં 21 પોલીસોની ટુકડી હાજર હતી. તેમની પાસે રાઈફલો, રબર બુલેટ્સ, અશ્રુવાયુના ટોટા અને સ્ટન ગ્રેનેડ પણ હતી પરંતુ તેમણે હત્યારાઓને રોકવા તેમના આ શત્રોનો ઉપયોગ કર્યો નહોતો.
મહારાષ્ટ્ર ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ચાર મહિનાની તપાસ બાદ જુલાઈમાં 126 શખસો સામે દહાણુની મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે આરોપનામા નોંધાવ્યા હતા. એક આરોપનામું પોલીસોની હત્યાના પ્રયાસ માટે અને બીજું આરોપનામું બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની હત્યા માટે નોંધવવામાં આવ્યું હતું.
પ્રથમ ચાર્જશીટમાં 21 પોલીસોનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. આ પોલીસોની આગેવાની આસિસ્ટંટ પોલીસ ઈન્સપેક્ટર આનંદરાવ કાળે લઈ રહ્યાં હતાં.
બે સાધુ-મહંત કલ્પવૃક્ષ ગિરિ (70) અને સુશીલગિરિ મહારાજ (35) અને તેમનો ડ્રાઈવર નિલેશ તેલગડે (30) સુરતથી મુંબઈ આવી રહ્યા હતા અને તેઓ લોકડાઉનના બેરીકેડ ટાળવા હાઈવે છોડીને પાલઘર તરફ આવ્યા હતાં. રાતે આ ઘટના ઘટી હતી.
પાલઘરના એ વિસ્તારમાં બાળકોમાં અપહરણ કરવામાં આવી રહ્યાં છે. એવી અફવા ત્યાં એ દિવસોમાં ફેલાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer