કોરોના કૅર સેન્ટરની સંખ્યામાં ઘટાડો

મુંબઈ, તા. 1 : કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે અને મોટાભાગના શંકાસ્પદ દર્દીઓને ઘરમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. પરિણામે મોટાભાગના કોરોના કેર સેન્ટરમાં પ્રમાણમાં ઘણાં ઓછા દર્દીઓ દાખલ થઇ રહ્યાં છે. આ બાબત ધ્યાનમાં લઈને મુંબઈમાં હવે ફક્ત 50 કોવિડ કેર સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
મુંબઈમાંના 328 `કોરોના કેર કેન્દ્ર-1'ની ક્ષમતા 50,077 બેડની છે પરંતુ વર્તમાનમાં ત્યાં ફક્ત 6,253 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. 
અત્યાર સુધીમાં આ કેન્દ્રોમાં 1,34,544 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. 
કોરોનાગ્રસ્તોનો સંખ્યા વધવાની શક્યતા ધ્યાનમાં રાખીને 5,040 દર્દીઓની ક્ષમતા ધરાવતા 60 `કોવિડ કેર સેન્ટર-2' શરૂ કરવામાં આવ્યા હતા. વર્તમાનમાં ત્યાં ફક્ત 1,775 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધીમાં ત્યાં 29,744 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. 
કોરોનાગ્રસ્તોની સંખ્યા નિયંત્રણમાં આવવા સાથે જ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે અને મોટાભાગના આ દર્દીઓ ઘરે જ નિયમ પાળીને રહેવાની તૈયારી દર્શાવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer