સામાન્ય માનવી માટે પરિવહનનું સાધન બેસ્ટ હોવાથી તેનાપર બોજો વધ્યો

બસ હકડેઠઠ ભરાઈ જાય છે
મુંબઈ, તા. 1 : બેસ્ટની બસસેવાઓ પરનો બોજ દિવસે દિવસે વધી રહ્યો છે. બેસ્ટ ઉપક્રમ દ્વારા રોજ લગભગ 3,000થી વધુ બસ દોડાવવામાં આવે છે. તેના રાજિંદા પ્રવાસીઓની સંખ્યા 11 લાખ પર પહોંચી છે. મુંબઈગરા હવે વધુ સંખ્યામાં નોકરી, વ્યવસાય માટે બહાર નીકળતા હોવાથી બેસ્ટ પરનો બોજો વધ્યો છે. અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ સિવાય હમણાં લોકલની સુવિધા અન્ય મુંબઈગરા માટે ઉપલબ્ધ નથી. પરિણામે બસમાંની ગર્દીને લીધે પ્રવાસીઓમાં  ડર અને ચિંતા જોવા મળી રહ્યા છે. 
સવારના સમયે બસ દ્વારા ઓફિસ જનારા પ્રવાસીઓને લાંબો સમય રાહ જોવી પડતાં પ્રવાસમાં લાગતો સમય પણ વધ્યો છે. ઉપરાંત વરસાદને લીધે પણ તેમના હાલ થાય છે. ફક્ત મુંબઈ જ નહીં પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિવિધ ભાગમાંથી નોકરી, વ્યવસાય માટે આવનારાઓને પણ ત્રાસ ભોગવવો પડે છે. થાણે, નવી મુંબઈ, વસઈ, વિરાર, કલ્યાણ, ડોમ્બિવલી વગેરે વિસ્તારમાંથી આવનારા લોકોને એસટી ઉપરાંત બસનો પણ પ્રવાસ કરવો પડે છે. આથી રોજ ચારથી પાંચ કલાક પ્રવાસમાં જતા હોવાની ફરિયાદ છે. 
અનેક બસ હકડેઠઠ ભરાઈને જતી દેખાય છે. કેટલીકમાં બસમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગના નિયમો પણ પળાતા નથી. બેસ્ટના સેંકડો કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયાં છે. બસની ગર્દી જોતા બસના ડ્રાઈવરો અને કન્ડક્ટરોને પણ ડર લાગે છે. ફક્ત બેસ્ટ પર જ તમામ બોજો ન નાખતાં લોકલ, ખાનગી બસ પરિવહન શરૂ કરવામાં આવે તો મુંબઈગરાને ઓછો ત્રાસ થશે એવું તેમનું કહેવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer