વડરાના સહાયકો પર ઇડીના દરોડાને કાવતરું ગણાવતી કૉંગ્રેસ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : શુક્રવારે યુપીએનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વડરાના ત્રણ સાથીઓનાં રહેઠાણો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દરોડા પાડયા બાદ કૉંગ્રેસે શનિવારે શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આ દરોડાને `સસ્તા સ્ટંટ' ગણાવ્યા હતા. ઇડીએ શનિવારે વડરાના નજીક ગણાતા કૉંગ્રેસ કાર્યકર જગદીશ શર્માને ત્યાં પણ દરોડા પાડયા હતા. 
શનિવારે પત્રકાર પરિષદને સંબોધતાં સિંઘવીએ ભાજપ પર `િકન્નાખોરીનું રાજકારણ' કરવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, સસ્તી રીતે રાજકીય બદલો લેવા શાસક પક્ષ તરફથી `સસ્તા સ્ટંટ' કરવામાં આવી રહ્યા છે.
સિંઘવીએ એવો દાવો કર્યો હતો કે, મોદી સરકારે કાયદાને બાજુ પર મૂકીને `દબંગગીરી'નો આશરો લીધો છે. પાંચ રાજ્યોમાં પરાજય ભાળીને તેઓ અસ્વસ્થ થઈ ગયા છે અને એટલે લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા તેઓ જુદા જુદા માર્ગો અપનાવી રહ્યા છે એમ સિંઘવીએ વધુમાં ઉમેર્યું હતું.
સિંઘવીએ જણાવ્યું હતું કે, વડરાના સાથી મનોજ અરોરાને ત્યાં 24 કલાક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ સાથીની બહેન કે જેના પતિને પક્ષાઘાત થયેલો છે અને એક સંતાન પણ છે તેમને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવું એફઆઈઆર કે વૉરન્ટ વગર કરવામાં આવ્યું હતું.
સિંઘવીએ એવો આરોપ કર્યો હતો કે, ઇડી અધિકારીઓએ આ સાથીઓના કર્મચારીઓને ધમકાવ્યા હતા અને તેમને તેમના પરિવારજનો કે વકીલો સાથે વાત કરવાની પણ છૂટ આપવામાં આવી નહોતી. ભારત જેવા બંધારણીય લોકતંત્ર ધરાવતા દેશમાં આવો `આતંકવાદી રાજ' અજાણ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer