દેશભરની હાઈ કોર્ટોમાં માત્ર 9 ટકા મહિલા ન્યાયાધીશો

એક વર્ષમાં 20 નવી નિમણૂકો
 
નવી દિલ્હી, તા.10: એપ્રિલ-2017માં જ્યારે બોમ્બે, દિલ્હી, કલકત્તા અને મદ્રાસ હાઇકોર્ટમાં ચાર મહિલા ન્યાયધીશોની નિમણૂકો થઇ તે ઐતિહાસિક ક્ષણ હતી, પણ દેશમાં હાલના તબક્કે સમગ્ર ન્યાયતંત્રમાં માત્ર 9 ટકા જ મહિલા ન્યાયધીશો છે.
ભારતમાં પ્રથમ મહિલા ન્યાયધીશની નિમણૂક 9મી ફેબ્રુઆરી 1959માં અન્નારેડીની કેરળ હાઇકોર્ટના ન્યાયધીશ તરીકે થઇ હતી. જે 4 ન્યાયધીશ 2017માં નીમાયા તેમાં એપ્રિલ 13, 2017ના રોજ જસ્ટીસ રોહિણી નિવૃત્ત થયા હતા, જસ્ટીસ મ્હાત્રે સપ્ટેમ્બર 19મીએ નિવૃત્ત થયા હતા, જસ્ટીસ ચેલૂર ડીસેમ્બર 4, 2017ના નિવૃત્ત થયા  અને જસ્ટીસ બેનર્જી  હમણા સુધી ચાલુ હતા પણ પછી તેમની નિમણૂક સુપ્રિમ કોર્ટમાં થઇ.
ઉપરની ચાર હાઇકોર્ટમાંથી બે હાઇકોર્ટ બોમ્બે અને દિલ્હીમાં ચીફ જસ્ટીસ તરીકે પણ મહિલા ન્યાયધીશો હતા જેમાં અનુક્રમે વી.કે. તાહિલરામાણી અને જસ્ટીસ ગીતા મિતલનો સમાવેશ થાય છે. જસ્ટીસ તાહિલરામાણી હાલ મદ્રાસ હાઇકોર્ટના વડા છે અને જસ્ટીસ મિતલ જમ્મુ -કાશ્મીર હાઇકોર્ટના વડા છે.
દેશની 24 હાઇકોર્ટમાં જેમાં મંજૂર થયેલ ન્યાયધીશોની સંખ્યા 1221 છે તેમાંથી માત્ર 891 જગ્યાઓ જ ભરાયેલી છે. આમાં માત્ર 81 ન્યાયધીશ એટલે કે 9 ટકા ન્યાયધીશ મહિલાઓ છે. છેલ્લા એક વર્ષમાં 20 મહિલા ન્યાયધીશોની નિમણૂક થઇ છે છતાં આ નિમણૂકો કુલ મહિલા ન્યાયધીશોની નિમણૂકો બે આંકડામાં કરી શકાય નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer