દક્ષિણ ચીન સમુદ્રથી દૂર રહેવા ચીનની અમેરિકાને ચેતવણી

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકા અને ચીન ફરી એક વખત વિવાદી દક્ષિણ ચીન સાગર મામલે  સામસામે આવી ગયા છે. જગત જમાદાર તરીકે ઓળખ સાથે સમગ્ર વિશ્વમાં ધાક ધરાવતા શકિતશાળી અમેરિકાને  આંખ બતાવતાં ચીને ચેતવણી આપી છે. દક્ષિણ ચીન સાગરમાં અમારા ટાપુઓની નજીક તમારાં જહાજ અને સૈન્ય વિમાન મોકલવાનું બંધ કરો તેવું ડ્રેગને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. જોકે, અમેરિકાએ દાદ આપી નથી.
બંને દેશો વચ્ચે શનિવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ચીને આવી ચેતવણી આપી હતી. આ બેઠકને  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગ વચ્ચે ચાલુ માસના અંતમાં યોજાનારી મુલાકાતની તૈયારી રૂપે ગણાવાઇ છે.
વોશિંગ્ટનમાં આજે બે દેશોના ટોચના રાજદ્વારીઓ અને સૈન્ય વડાઓ વચ્ચે બેઠક યોજાઇ જેમાં ચીની વાંધા છતાં અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદો છૂટ આપતોહશે, તેવા તમામ સ્થળ?પર અમે અમારાં જહાજ, વિમાન મોકલવાનું જારી રાખશું.
ખાસ ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં અમેરિકા અને ચીનના જહાજ એક વિવાદી ટાપુ પાસે ટકરાતાં બચ્યા હતા.
આજની બેઠકમાં ઊંડા મતભેદ છતાં બંને દેશોની વચ્ચે તાણને ઓછી કરવા પર ભાર મૂકાયો હતો. અલબત્ત, ચીની ચીમકી સામે અમેરિકા અડગ રહ્યું છે.
અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પીયોએ અમેરિકા-ચીન કૂટનીતિ અને સુરક્ષા બેઠક બાદ પત્રકારોને કહ્યું હતું કે, અમે ચીન સાથે શીતયુદ્ધ રોકવાની નીતિ નથી અપનાવતા, બલ્કે બંને દેશની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ચીન જવાબદાર અને નિષ્પક્ષ વલણ અપનાવે તેવું સુનિશ્ચિત કરવા માગીએ છીએ.
પોમ્પિયોના ચીની સમકક્ષ વાંગજાઇસીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ચીની દ્વિપો પાસે પોતાના વિમાનો મૂકવાનું તેમજ ચીનના અધિકાર અને સુરક્ષાના હિતોને હાનિ કરે તેવી પ્રવૃત્તિઓ રોકવી જોઇએ. 
યાંગ અને ચીની સંરક્ષણ મંત્રી વેઇફેંગેએ એશિયા-પ્રશાંતમાં વિશ્વની બે શકિત વચ્ચે ટકરાવનો ખતરો ટાળી શકાય તે માટે બંને દેશની સેનાઓ વચ્ચે તેમજ અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂરત પર ભાર મૂક્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer