સિંહોમાં હજી પણ વકરેલો છે રોગચાળો

બેકટેરિયલ ઈન્ફેક્શનના કારણે સિંહણનું મોત
 
માળિયા હાટીનાના અમરાપુર ગામ નજીકથી મળ્યો મૃતદેહ

માળિયા હાટીના,તા.10 :માળિયા હાટીનાના અમરાપુર ગામ નજીકથી સિંહણનો મૃતદેહ મળી આવતાં વનતંત્ર ચેંકી ઉઠયું હતું. 
પોસ્ટ મોટર્મ રિપોર્ટ મુજબ, સિંહણમાં બેક્ટેરીયલ ઈન્ફેક્શન ફેલાઈ જતાં હૃદય બેસી જવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવતાં વનતંત્ર ચેંકી ઉઠયું છે. એક તરફ દરેક સાવજોને રોગ પ્રતિકારક રસી આપવામાં આવી રહી છે તો બીજી તરફ હજી પણ સાવજોમાં બેક્ટેરીયા જોવા મળી રહ્યા છે અને ભોગ લઈ રહ્યા છે.
દિવાળીની રાત્રે માળિયા હાટીનાના અમરાપર ગીર નજીક માઢ વાણીયા વિસ્તારમાં સિંહણનો મૃતદેહ પડયો હોવાની માહિતીના આધારે વન વિભાગના આરએફઓ વી.શીલુ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો લીધો હતો. મૃતક સિંહણ એકાદ વર્ષની હોવાનું જણાય છે. મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાતાં તબીબ ડૉ. વીરેન્દ્ર ગોસ્વામીએ પોસ્ટ મોર્ટમ કર્યું હતું, તેમાં જાણવા મળ્યું છે, બેક્ટેરીયલ ઈન્ફેક્શનના કારણે સિંહણનું હૃદય બેસી જવાથી મૃત્યુ થયું હતું. આ પ્રાથમિક તારણ બાદ વીસેરા લઈ એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અગાઉ દલખાણીયા અને જસાધાર રેન્જમાં એક પછી એક 23 થી વધારે સિંહોના રોગચાળાના કારણે મૃત્યુ થયા બાદ એ વિસ્તારના તમામને અમેરિકાથી મગાવવામાં આવેલી રસી આપવામાં આવી હતી છતાં હજી પણ સિંહોમાં ચોક્કસ પ્રકારનો રોગચાળો જોવા મળી રહ્યો હોવાથી આ બાબતે વન વિભાગે ગંભીર બનીને અન્ય સાવજોની ફેર તપાસ કરવી જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer