એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિન્દ પ્રચારાર્થે મુંબઈ આવ્યા

એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિન્દ પ્રચારાર્થે મુંબઈ આવ્યા
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી ટેકો જાહેર કરવા બદલ માન્યો આભાર

મુંબઈ, તા.15 : ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્રની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકારના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિન્દ આજે પ્રચારાર્થે મુંબઈ આવ્યા હતા અને એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર ચર્ચા કરી હતી. કોવિન્દે આ ચૂંટણીમાં શિવસેનાએ ટેકો જાહેર કર્યો તે બદલ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી.

સવારે મુંબઈ આવી પહોંચેલા કોવિન્દનું ઍરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું હતું. તેમને આવકારવા ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલાર અને રાજ્યના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે હજર હતા. ઍરપોર્ટથી કોવિન્દનો કાફલો ગરવારે ક્લબ પહોંચ્યો હતો અને ત્યાં એનડીએના સાથીદાર પક્ષો સાથે ચર્ચા થઇ હતી જેમાં શિવસેનાના સંસદસભ્યો પણ હાજર રહ્યાં હતાં. આ ચર્ચામાં કેન્દ્રના પ્રધાનો નીતિન ગડકરી, અનંત ગિતે, રામદાસ આઠવલે તેમ જ મહારાષ્ટ્રના દુગ્ધ વિકાસપ્રધાન મહાદેવ જાનકર સહિત ભાજપના સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતાં.

જો કે કોવિન્દ આજે ઠાકરેના નિવાસસ્થાન `માતોશ્રી' નહોતા ગયા તેની ચર્ચા થઇ રહી છે. આ અગાઉ બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કૉંગ્રેસના વડપણ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ના સત્તાકાળમાં શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને મળવા યુપીએના ઉમેદવારો પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજી માતોશ્રી ગયાં હતાં અને ત્યારે વિપક્ષમાં રહેલાં એનડીએના ઘટક પક્ષ હોવા છતાં શિવસેનાએ યુપીએના ઉમેદવારને ટેકો આપ્યો હતો. જો કે હવે બાળા સાહેબ હયાત નથી અને ઉદ્ધવ ઠાકરેએ ગયા મહિને જ કોવિન્દને પાર્ટી તરફથી ટેકો જાહેર કરેલો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer