આદિત્યનાથ યોગીનો રાજયોગ

આદિત્યનાથ યોગીનો રાજયોગ
આજે શપથવિધિ : કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા નાયબ સીએમ

શપથવિધિમાં મોદી, શાહ અને ત્રણ રાજયોના મુખ્ય પ્રધાનો આવશે

લખનૌ/નવી દિલ્હી, તા. 18: દેશના સૌથી વધુ વસતિવાળા અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા રાજય ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમતી મેળવ્યાને પગલે ઉદભવેલી અનેક સંભાવનાઓને પલટાવીને ભાજપએ, રાજયના મુખ્યમંત્રીપદે પક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને ગોરખપુરમાંથી પાંચ વાર સાંસદ બનેલા યોગી આદિત્યનાથ (44)ની પસંદગી કરી છે, અને પક્ષના રાજય એકમના પ્રમુખ કેશવપ્રસાદ મૌર્ય તથા પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને લખનૌના મેયર દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા છે. આવતી કાલે બપોરે સવા બેના સુમારે લખનૌની ભાગોળે આવેલા કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં તેઓનો શપથ વિધિ થશે, જે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ ઉપરાંત આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીઓ વ. ઉપસ્થિત રહેશે. વિધાનસભા પક્ષની આજની બેઠકમાં પક્ષ નેતા સુરેશ ખન્નાએ આદિત્યનાથનું નામ સૂચવતાં, બેઠકમાં કેન્દ્રના નિરીક્ષક તરીકે ઉપસ્થિત કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રી એમ. વેન્કૈયા નાયડુએ  ટેકો આપ્યો હતો. 403 બેઠકોના ગૃહમાં પક્ષે 312 બેઠકો સાથેની ઝળહળતી ફતેહ મેળવ્યાના એક સપ્તાહ બાદ, રાજયના સુકાનીનો મામલો `થાળે પાડયો' છે. મજાની વાત એ છે કે શપથ લેનારા આ ત્રણેય નેતા વિધાનસભ્ય નથી. આદિત્યનાથ યુપીના 21મા અને (ભગવા પક્ષના ચોથા) સીએમ બનશે. તેમનું મૂળ નામ અજયમોહન બિશ્ત છે, પણ નાથ સંપ્રદાયમાં દીક્ષા લેતાં ઉકત નામકરણ કરાયું હતું.

આજે બપોરે યુપીની રાજનીતિનો ઘટનાક્રમ તેજ ગતિએ ચાલ્યો હતો. યોગીને આજે સવારે મોવડી મંડળે અચાનક દિલ્હી બોલાવ્યા હતા.

રાજયના સીએમ પદે, રેલવે અને દૂરસંચાર રાજય મંત્રી (અને ગાઝીપુરના સાંસદ) મનોજ સિંહા ઉપરાંત કેશવપ્રસાદ મૌર્યના નામ ખાસા ચર્ચામાં હતા તે જોતાં આદિત્યનાથની પસંદગી કરી ભાજપએ આંચકો આપતું અચરજ સર્જયું છે.

પૂર્વીય યુપી અને પડોશી નેપાળમાં લાખો અનુયાયીઓ ધરાવતા ગોરખનાથમાંના ગોરખનાથ મઠના વડા આદિત્યનાથ ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી હોવાની છબિ ધરાવે છે. રાજપુત જ્ઞાતિમાંથી આવતા વિજ્ઞાનના સ્નાતક આદિત્યનાથ મુસ્લિમવિરોધી વિધાનો સબબ વગોવાતા રહ્યા  છે. આગઝરતી વાણી વડે ટેકેદારોમાં લોકપ્રિય રહેલા યોગીએ જો કે (દા.ત.) લવ જેહાદ, ઘરવાપસી સહિતના સ્ફોટક મુદ્દે કરેલા વિધાનોથી લઘુમતીઓમાં અપ્રિય રહ્યા છે.

એક સમયે અયોધ્યા તેમ જ ગોરખનાથ સહિતના ધાર્મિક સ્થળોએ '16ની સાલમાં સંત સમુદાયની મળતી બેઠકોમાં  યોંગીને સીએમ પદના ઉમેદવાર બનાવવા માગણી થતી રહી હતી, બળવત્તર બની હતી, જો કે ભાજપ તે માગણીની અવગણના કરતો રહ્યો હતે. 

ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતના સ્વરૂપે રાજપુતને મુખ્યમંત્રી બનાવાતાં યુપીમાં બિન-સવર્ણને સીએમ બનાવાય તેવા અનુમાનો તીવ્ર બન્યા હતા અને તે ધારણા મુજબ કેશવપ્રસાદ મૌર્યને નામ આ પદની રેસમાં મોખરે હતું. યુપીમાં પક્ષની પ્રચંડ જીતમાં પછાત જ્ઞાતિઓ , બિનયાદવ અને ઓબીસી તથા બિન-જાટવ દલિત મતોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોવાનું મનાય છે. તે જોતાં રાજકીય પંડિતો સીએમ પદે કોઈ ઓબીસી નેતાના નામની સંભાવના પર જોર આપતા આવ્યા હતા. ખુદ ભાજપી સૂત્રોએ જણાવ્યા મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહને પણ આ પદ માટે મનાવવા કોશિશ થઈ હતી...અને તેઓ રેસમાંથી `હટી ગયાના' બાદ બે દિવસથી મનોજસિંહાનું નામ તેજ ગતિએ ઉછળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer