વરલી સ્મશાનભૂમિનો કાયાકલ્પ

વરલી સ્મશાનભૂમિનો કાયાકલ્પ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : હિન્દુઓના જીવનનો અંતિમસંસ્કાર અંત્યેષ્ટી છે. ગામડાંમાં તો અંતિમ વિધિનું ઔચિત્ય હજુ પણ જળવાઈ રહે છે, પરંતુ શહેરમાં ચીર વિદાય લેનારને સંપૂર્ણ માન સાથે સ્મશાન સુધી પહોંચાડવામાં પણ કયારેક સ્વજનોની કસોટી થતી હોય છે. ડૉ. રમણિક પારેખને કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતા હીરાલાલના મૃતદેહને જે. જે. હૉસ્પિટલથી અલ્ટામાઉન્ટ રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચાડવામાં અનેક અડચણોનો સામનો કરવો પડયો હતો. આ સમયે તેમને તથા તેમના ભાઈ-બહેનોને વિચાર આવ્યો હતો કે આવો જ અનુભવ અનેક મુંબઈગરાને થતો હશે. આથી આપણે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી મૃતકને અવ્વલ મંઝિલે પહોંચાડવામાં સહાય મળે. આ વિચારબીજમાંથી એક ફણગો 2008માં `અંતિમસંસ્કાર સેવા'ના સ્વરૂપમાં ફૂટયો અને બીજો 2022માં વરલીમાં માતા રમાબાઈ આંબેડકર સ્મશાનભૂમિના નૂતનીકરણના રૂપમાં જોવા મળ્યો. આ અત્યાધુનિક સુવિધા ધરાવતી સ્મશાનભૂમિ -અંતિમ પ્રસ્થાનનું તાજેતરમાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 
મુંબઈમાં કુલ 202 સ્મશાનભૂમિ છે, જેમાંથી 64નું સંચાલન પાલિકા કરે છે. આમાંથી અનેકમાં સુવિધા અને સ્વચ્છતાના નામે મોટું મીંડું છે. ત્રણ વર્ષ અગાઉ હિરાલાલ પારેખ પરિવાર ચેરિટી ટ્રસ્ટના સભ્યોએ મુંબઈની પાલિકા સંચાલિત શહેરની સૌથી મોટી અને  જર્જરિત એવી વરલીની માતા રમાબાઈ આંબેડકર સ્મશાનભૂમિને રિડેવલપ કરવા માટે સમજૂતિ કરાર કર્યા. શોકગ્રસ્તોને વિલાપ કરવા માટે શાંત સ્થળ પૂરું પાડવાના આશયથી આ સ્મશાનભૂમિના જૂના મકાન, લાકડાની ચાર ચિતા અને વડના ઝાડને કમળના ફૂલો ધરાવતાં તળાવ, ત્રણ ગેસની, ત્રણ પારંપારિક ચિતા, બે મુક્તિધામ, આઠ ખાનગી અગ્નિદહન પેવિલિયન, સ્વચ્છ ટોઈલેટ અને પાર્કિંગની પૂરતી જગ્યા સહિત અન્ય  સુવિધા ધરાવતાં 80 હજાર ફૂટના હરિયાળા શાંત વિસ્તારમાં તબદીલ કરવાની યોજના બનાવી. ચાર તબક્કામાં પૂરી થનારી આ યોજનામાંથી રૂા.40 કરોડના ખર્ચે પ્રથમ તબક્કો પૂરો થયો છે. અત્યારે બે પ્રાર્થનાગૃહ અને ચાર ગોળાકાર પેવિલિયન તૈયાર થયા છે જેમાં ઍરપોર્ટ પર હોય એવા હાઈ વૉલ્યુમ લૉ સ્પીડના વિશાળ પંખા છે. પેવિલિયનની વચ્ચે મૃતદેહને મૂકવા માટે લીલા રંગના કર્ણાટકી ગ્રેનાઈટ પથ્થરની પડધી બનાવવામાં આવી છે અને તેની બિલકુલ ઉપર સીસીટીવી લગાડાયા છે, જેથી ત્યાંની વિધિનું લાઈવ ટેલિકાસ્ટ કરી શકાય. આશરે એકસો ડાઘુઓ બેસી શકે તે માટે પડધીની બંને બાજુ ગ્રે કોટા માર્બલની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. 
હીરાલાલ પારેખ પરિવાર ચેરિટી ટ્રસ્ટમાં ડૉ. રમણિકલાલ પારેખ, ડૉ. ભરત પારેખ, ડૉ. જયોતિ આર. પારેખ, ડૉ. કાનન બી. પારેખ, નિમિશ રમણિક પારેખ અને શરત ખિલનાનીનો સમાવેશ થાય છે. ડૉ. ભરતે જણાવ્યું હતું કે, ગર્ભથી કબર સુધીના સંસારચક્રને ધ્યાનમાં રાખીને પેવિલિયન્સનો આકાર મુગલ સ્થાપત્ય જેવો ગોળાકાર રાખવામાં આવ્યો છે અને તેમાં લાકડાં અને ગૅસનો સમન્વય ધરાવતી હાઈબ્રિડ ચિતા છે જેને મુક્તિધામ કહેવામાં આવે છે. આ ચિતાના ગેસનું જોડાણ હજુ બાકી છે.
હાલમાં આ અત્યાધુનિક સ્માશનભૂમિમાં રોજ પાંચથી સાત મૃતદેહો અગ્નિદાહ માટે આવે છે. લાકડાંની ચિતામાં અગ્નિસંસ્કાર કરવા ચારસો કિલો લાકડાં જોઈએ છે. જોકે, આ પ્રકારે અગ્નિદાહ આપવો પર્યાવરણપોષક નથી છતાં કેટલાક રૂઢિવાદી ભારતીયો પારંપારિક રીતે જ અગ્નિસંસ્કાર કરવામાં માનતા હોવાથી આ વ્યવસ્થા રાખવી પડી હોવાનું, ડૉ. ભરતે ઉમેર્યું હતું. અન્ય બે તૈયાર પેવેલિયનમાં બે લાકડાંની અને એક ગૅસની ચિતા છે. અગ્નિસંસ્કાર બાદ ધૂમાડો આડોશપાડોશને બદલે આકાશમાં એકદમ ઊંચે જાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ચિમની બેસાડવામાં આવી છે. 
નવ એકરમાં ફેલાયેલી આ સ્મશાનભૂમિની ડિઝાઈન રાહલુ મેહરોત્રાની આરએમએ આર્કિટેક્ટસ કંપનીએ તૈયાર કરી છે. નવનિર્મિત સ્મશાનભૂમિના રિસેપ્શન વિસ્તારમાં વૉલ અૉફ ગ્રેટિટયુડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દીવાલ પર સ્માશનભૂમિના નૂતનીકરણમાં સહયોગ આપનારાઓના નામ લખીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. 90 ટકા ભંડોળ કોર્પોરેટ કંપનીઓમાંથી આવ્યું છે, કેમ કે તેઓ પણ આવા સામાજિક સ્થળના મહત્ત્વને હવે સમજી રહ્યા છે. ટ્રસ્ટ પાંચ વર્ષ સુધી આ સ્મશાનભૂમિનું સંચાલન કરશે. આમ છતાં વર્ષો સુધી તેમનું નામ પરોક્ષ રીતે આ કાર્ય સાથે જોડાયેલું રહેશે. જૂની સ્મશાનભૂમિમાં રહેલી ચિતાને તોડવાથી લઈને નવા પેવિલિયન બાંધવા સુધીના કામમાં અનેક અણધારી અડચણો આવી હતી. આ રિડેવલમેન્ટનું કામ કરતાં 270 શ્રમિકોને રહેવાની સુવિધા સ્થળ પર જ કરી આપવામાં આવી હતી છતાં સ્મશાનભૂમિમાં રાત ન રહેવાય એવી અંધશ્રધ્ધાને લીધે માત્ર થોડા જ શ્રમિકો અહીં રહેતા હતા. કામકાજ શરૂ કર્યા બાદ લૉક ડાઉન લાગૂ થતાં કેટલાક શ્રમિકો વતનમાં જતા રહ્યા તો બાકીના કેટલાક પોતાના રહેવાના સ્થાન નજીક ચિતાને બળતી જોઈને ડરીને ભાગી ગયા હોવાનું પણ બન્યું છે. છતાં હિરાલાલ પારેખ પરિવાર ટ્રસ્ટનો હેતુશુદ્ધ હતો એટલે આટલું સુંદર પરિણામ જોવા મળ્યું.
(તસવીરો : વિરલ જોશી)

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer