પુખ્ત થયા બાદ બાળા સંસારમાં આવવા ઈચ્છે તો શું કરવું? : હાઈ કોર્ટ

પુખ્ત થયા બાદ બાળા સંસારમાં આવવા ઈચ્છે તો શું કરવું? : હાઈ કોર્ટ
દીક્ષાર્થી બાળાની મિલકત ટ્રાન્સફરનો કેસ 
મુંબઈ, તા. 21 : બૉમ્બે હાઈ કોર્ટે સગીરબાળાની માતા અને તેના ત્રણ મામામાંના એક મામાની અરજીની સુનાવણી કરી રહી છે જેમાં માતાની મિલકતનો હિસ્સો મામાને ભેટ તરીકે આપવાની માગણી કરવામાં આવી છે. કારણ કે સગીર બાળા સ્વેચ્છાએ દીક્ષા લેવા માગે છે. કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં સગીરબાળા દીક્ષા લે તો એવા સંજોગોમાં કોર્ટની કાર્યવાહી ચાલુ રહે અને ખાતરી કરવા માતાએ તેના ભાઈને સહઅરજીકર્તા બનાવ્યો છે.
વાલીપણા કે પાલકત્વની આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, બાળાના પિતા જુલાઈ 2012માં મૃત્યુ પામ્યા હતા. તેમનો 50 ટકા હિસ્સો (શૅર) તેમની પત્ની અને બે સગીર બાળકોને વિતરીત કરવામાં આવ્યો હતો. પુત્ર 10 વર્ષનો હતો ત્યારે તેણે દીક્ષા લઈ લીધી હતી. તેનો હિસ્સો તેની માતા અને બહેનને વિતરીત કરવામાં આવ્યો હતો. માતા અને પુત્રીનો ફ્લૅટમાં અનુક્રમે 75 ટકા અને 25 ટકા હિસ્સો છે. દીક્ષા પહેલાં તેઓ તેનો હિસ્સો માતાના ભાઈ એટલે કે પુત્રીના મામાને ભેટ તરીકે આપવા માગે છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સગીર બાળાનો હિસ્સો ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે તેના હિતનું રક્ષણ કરવા આ ગિફ્ટ ડીડ તેની દીક્ષા બાદ જ અમલમાં આવશે. જ્યારે આ સગીરબાળા આ દુનિયાની મોહમાયા છોડીને જૈન સાધ્વી બની જશે.
વૅકેશન જજ જસ્ટિસ મિલિંદ જાધવે તેમના 13 મેના હુકમમાં જણાવ્યું હતું કે, આ ગાર્ડિયનશિપ અરજી ગાર્ડિયન્સ અન્ડિ વૉર્ડસ ઍક્ટ 1890 અને હિન્દુ માયનોરિટી ઍન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956 હેઠળ કરવામાં આવી છે. બન્ને કાનૂનોનો ઈરાદો અને કારણો સગીરાના કલ્યાણ તરફ ઈશારો કરે છે અને ગાર્ડિયન (પાલક કે વાલી)ની નિમણૂક કરતી વખતે કોર્ટ માટે આ મહત્ત્વની બાબત બની જાય છે. ગાર્ડિયનની નિમણૂકમાં સગીર બાળક કે બાળાનું કલ્યાણ પ્રમુખ વિચારણા બની જાય છે.
ગાર્ડિયન કે પાલક કે વાલીના શબ્દને શક્ય એટલી વ્યાપક દૃષ્ટિકોણથી જોવો જોઈએ. તેને માત્ર નાણાં કે શારીરિક સુખની નજરે જ નહીં પરંતુ બાળકના નૈતિક અને આચાર સંબંધી કલ્યાણની દૃષ્ટિથી પણ જોવો જોઈએ, એમ જસ્ટિસ મિલિંદ જાધવે જણાવ્યું હતું.
જસ્ટિસ જાધવે ચિંતા વ્યક્ત કરતાં એવો સવાલ કર્યો હતો કે, પુખ્ત થયા બાદ બાળા પોતાનો વિચાર બદલે અને સંસારમાં પાછા ફરવાનો નિર્ણય કરે તો શું થાય?
જસ્ટિસ જાધવે એમ પણ જણાવ્યું હતું કે, સગીર બાળકના 2019ના હિસ્સાની ટ્રાન્સફર બાબતમાં પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે કારણ કે હાઈ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટનો એવો કોઈ રૅકોર્ડ નથી જે એમ બતાવતો હોય કે, તેના હિસ્સાનો ટ્રાન્સફર માટે ગાર્ડિયનની નિમણૂક કરવાની કોઈ અદાલતે પરવાનગી આપી હતી.
જસ્ટિસ જાધવે અરજદારોને અદાલતે ઊભા કરેલા સવાલો પર અતિરિક્ત જવાબો આપવાનો આદેશ આપ્યો હતો. તેમણે કોર્ટને મદદ કરવા ઍડ્વોકેટ નૌસાદ એન્જિનિયરને એમીક્સ કયુરી નિમ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer