અંદર જવા ન દેવાયાનો હિંદુ પક્ષનો આક્ષેપ, કમિશનર બદલવા મુસ્લિમ પક્ષકારની માગ
લખનઉ, તા.7 (પીટીઆઈ) : યુપીના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે બીજા દિવસે સર્વે થઈ શકયો ન હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને 9મી મે ના રોજ સુનાવણી થશે. કોર્ટે સર્વે રોકવા કોઈ આદેશ આપ્યો નથી. તેમ છતાં મસ્જિદ પરિસરમાં સર્વે અંગે શનિવારે પણ વિરોધ યથાવત રહ્યો હતો.
બીજા દિવસ પણ મસ્જિદ પરિસરમાં નમાઝી ઓની ભીડ એકઠી થઈ અને નારેબાજી કરી હતી. પોલીસે ભીડ વિખેરી પરંતુ વાદી પક્ષ થોડીવાર બાદ બહાર આવી ગયો હતો. એડવોકેટ વિષ્ણુ જૈને કહયુ કે કોર્ટના આદેશનું પાલન થયું નથી. પ્રશાસને અમોને ત્યાં પહોંચવા જ ન દીધા.
મુસ્લિમ સમુદાયના લોકો દરવાજે આવીને ઉભા રહી ગયા આ રીતે સર્વે ફરી અટકી ગયો છે.
કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરી સહિત સર્વે અંગે હંગામો બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જ્યારે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી તો એઆઈએમઆઈએમના પ્રમુખ ઔવેસીએ કાયદાનો ભંગ ગણાવ્યો તો મુસ્લિમ પક્ષે કોર્ટ કમિશનર અજયકુમાર મિશ્રા પર પક્ષપાતનો આરોપ લગાવી તેમને હટાવવાની માગ કરી હતી. હંગામા વચ્ચે બીજા દિવસે સર્વે થઈ શકયો ન હતો. હિંદુ પક્ષના વકીલોની ટીમ સર્વે માટે સ્થળ પર પહોંચી હતી પરંતુ તેમને મસ્જિદ પરિસરની અંદર જવા દેવાયા ન હતા. ત્યાર બાદ તેઓ કાશી વિશ્વનાથ પરિસરમાંથી જ પરત ફર્યા હતા. પ્રતિવાદી અંજુમન ઈંતજામિયાં મસ્જિદ કમિટી તરફથી કોર્ટ કમિશનરને હટાવવાની માગ કરતી અરજી કોર્ટમાં કરવામાં આવી છે. જેના પર કોર્ટ 9 મે ના સુનાવણી કરશે. જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીના સર્વે માટે કોર્ટે આદેશ આપી સર્વે કમીશન ઘડયું છે. જેણે ગઈકાલે પહેલા દિવસે ભારે હંગામા વચ્ચે આશરે 3 કલાક મસ્જિદના પશ્ચિમમાં સર્વે કર્યો હતો. દરમિયાન બંન્ને પક્ષકારો હાજર હતા. પછી વાદી પક્ષે આરોપ લગાવ્યો કે તેમને મસ્જિદમાં બેરિકેડ્સથી અંદર જવા દેવામાં ન આવ્યા.
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે અટક્યો, કોર્ટમાં નવમીએ સુનાવણી
