જમશેદપુર તા.7 : ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સવારે 10:20 કલાકે પ્લાન્ટમાં આગ ભભૂકી હતી જેને કલાકોની જહેમત બાદ કાબૂ કરાઈ હતી. ટાટાના પ્લાન્ટમાં બ્લાસ્ટ કેવી રીતે થયો, શું કારણ હતુ ? તે હજુ સ્પષ્ટ થયું નથી.
સવારે દુર્ઘટનાની ખબર મળતાં જ મુખ્યમંત્રી હેમંત સોરેને જરુરી નિર્દેશ આપ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. જિલ્લા તંત્ર તથા ટાટા સ્ટીલ મેનેજમેન્ટ દ્વારા સંકલન સાધીને ઈજાગ્રસ્તોને તુરંત સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર, પ્લાન્ટના કોક ડિવીઝનમાં બ્લાસ્ટ થયો હતો. બેટરી યુનિટ 5,6 અને 7માં ક્રોસ ઓવરમાં અચાનક બ્લાસ્ટ થયાનું માનવામાં આવે છે. ગેસ ગળતર પણ થયુ હતુ જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે પ્લાન્ટમાં ભાગદોડ મચી ગઈ હતી. કર્મચારીઓને જેમતેમ કરીને પ્લાન્ટની બહાર સુરક્ષિત લઈ જવાયા હતા. આગ કાબૂમાં આવ્યા બાદ પ્લાન્ટને પુન:કાર્યરત કરવા ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. ટાટા સ્ટીલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, કોક પ્લાન્ટના બેટરી 6માં ફાઉલ ગેસ લાઈનમાં બ્લાસ્ટ થયો હતો. સ્થિતિ હવે કાબૂમાં છે બે કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે.
જમશેદપુર : તાતા સ્ટીલના પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ : બે કર્મચારી ઘવાયા
