થાણે, તા. 7 (પીટીઆઈ) : પોલીસે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રિક્રિપ્શન વગર ગેરકાયદે મેડિકલ ટર્મિનેશન અૉફ પ્રેગનન્સી (એમટીપી) કિટસ અને એબોર્શન (ગર્ભપાત)ની દવાઓ વેચવા બદલ ઈ-કૉમર્સ પોર્ટલ સામે 13 એફઆઈઆર નોંધી હતી એમ રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીએ અત્રે શનિવારે જણાવ્યું હતું.
આ પોર્ટલ સામે મુંબઈ, થાણે, જળગાંવ, કોલ્હાપુર, ઔરંગાબાદ અને નાગપુર ખાતેના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધવામાં આવ્યા હતા. એફડીએના અધિકારીઓની ફરિયાદો બાદ આ કેસ નોંધવામાં આવ્યા હતા.
એફડીએના આસિસ્ટન્ટ કમિશનર ગણેશ રોકડેએ જણાવ્યું હતું કે વહીવટી તંત્રને એવી માહિતી મળી હતી કે મીશુકોમ નામના અૉનલાઇન પોર્ટલ પર ગર્ભપાતની દવાઓ વેચવામાં આવતી હતી.
આની ચકાસણી કરવા માટે રાજ્યમાં એફડીએના અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને પ્રિક્રિપ્શન વગર આ દવાઓના અૉર્ડર આપ્યા હતા.
આ પોર્ટલ કોસ્મેટિક્સ ઉત્પાદનો, જ્વેલરી, એપેરલ્સ અને અન્ય આઈટમોનું વેચાણ કરે છે.
જ્યારે આ અૉર્ડરો અૉનલાઇન મૂકવામાં આવ્યા ત્યારે આ પોર્ટલે ડૉક્ટરનું પ્રિક્રિપ્શન માગ્યા વિના કુલ 16 એમટીપી કિટસની ડિલિવરી કરી દીધી હતી. કુરિયર દ્વારા આ કિટસ મોકલવામાં આવી હતી. મીશુકોમ સામે કુલ 13 એફઆઈઆર નોંધવામાં આવી હતી.