શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવાની ચૂંટણી લડશે : રાઉત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : રાષ્ટ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ તે અંગે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે, પૂરી તૈયારી સાથે આ જાહેરાત થઈ છે. ચૂંટણીઓ સમયસર થવી જરૂરી છે. દેશમાં કોરોના ખતમ થઈ ગયાની અને જાહેરસભાઓ દ્વારા તે નહીં વધે તેની ખાતરી ચૂંટણીપંચને થઈ હશે. અમારો પક્ષ ઉત્તર પ્રદેશ અને ગોવામાં ચૂંટણી લડશે, એમ રાઉતે ઉમેર્યું હતું.
આ અંગે ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચન્દ્રકાંત પાટીલે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય ચૂંટણી પંચએ ભાજપના અખત્યાર હેઠળ નથી. તે એજન્સી છે. ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની તારીખો જાહેર કરાઈ તેની સાથે ભાજપને સાંકળી શકાય નહીં. આ રાજ્યોમાં ચૂંટણી ક્યારે યોજવી તેનો નિર્ણય પંચ જ લે છે. શિવસેનાએ ઉત્તર પ્રદેશ અને ગોવામાં ચૂંટણી લડવાની વાત કરી છે. પરંતુ શિવસેનાના ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવાના નાણાં મળી રહે છે. સંજય રાઉતને આખા વિશ્વની બધી જાણકારી મળે છે. તેઓ કહે છે એમ વિરોધ પક્ષના નેતાઓને તલવારની ધાકે લાવ્યા છે કે નાણાંના જોરે લાવ્યા છો. તો આ તમારાથી કેમ શક્ય બનતું નથી? એમ ચન્દ્રકાંત પાટીલે ઉમેર્યું હતું.