અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.8 : ભાજપ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે નાગપુરના મહત્વપૂર્ણ ઠેકાણે રેકી કરવી ગંભીર મુદ્દો છે. તેમણે આશા વ્યકત કરી હતી કે મહારાષ્ટ્ર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ કોઇપણ ઘટનાને વિફળ કરવા માટે જરૂરી કદમ ઉઠાવશે.
ફડણવીસની પ્રતિક્રિયા ગુરુવારે આતંકવાદી જૈશ એ મોહમ્મદના અજ્ઞાત શખસો વિરુધ્ધ નાગપુરમાં મહત્વના ઠેકાણે રેકી કરવા માટે મામલો નોંધાયા બાદ આવી હતી. આરએસએસ મુખ્યાલય કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, જ્યાં યુએપીએ હેઠળ કેસ નોંધાયો છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આવી રીતની રેકીઓને ખૂબ જ ગંબીરતાથી લેવી જોઇએ. મને વિશ્વાસ છે કે કેન્દ્રીય એજન્સીઓ અને મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ મળીને કોઇપણ ઘટનાથી બચવા માટે પગલા લેશે.