આજે નવી કેબિનેટના શપથ

રાજસ્થાનના તમામ પ્રધાનોના સામૂહિક રાજીનામા
નવી દિલ્હી, તા. 20 : રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમગ્ર મંત્રીમંડળે આજે સાંજે એકસાથે રાજીનામું ધરી દેતાં રાજકીય ઉત્તેજના સર્જાઈ હતી. મંત્રીમંડળમાં ફેરબદલની હવા વચ્ચે આ પગલું ભરાયું હતું. હવે આવતીકાલે નવા મંત્રીઓ શપથ લેશે જેમાં અસંતુષ્ટ એવા સચિન પાયલટ જૂથને સ્થાન આપીને રાજ્યમાં ચાલી આવતા સીએમ ગેહલોત-પાયલોટ વચ્ચેના ગજગ્રાહને ઠંડો પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમુક જ મંત્રી રાજીનામા આપશે અને બંને જૂથના નેતાઓને નવા મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. જોકે આજે સાંજે તમામ મંત્રીઓએ સામૂહિક રાજીનામા આપી દીધાં હતાં.
આજે સીએમ અશોક ગેહલોતના નિવાસે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યાં હતાં. દરમ્યાન, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા જયપુર પહોંચી ગયા છે. સૂત્રોએ કહ્યું હતું કે નવા મંત્રીના નામો પર સંમતિ બની ગઈ છે.
પૂર્વ પરિવહન મંત્રી પ્રતાપસિંહ કચરિયાવાસે મીડિયાને જણાવ્યું હતું કે તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યાં છે. પુનર્ગઠનની વાત છે ત્યાં સુધી પ્રક્રિયા હવે પૂરી થઈ ચૂકી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer