આવકવેરાના દરોડા અખબારી સ્વાતંત્ર્ય પર હુમલો : એડિટર્સ ગિલ્ડ

નવી દિલ્હી, તા. 11 : એડિટર્સ ગિલ્ડ અૉફ ઈન્ડિયાએ, બે ન્યૂઝ વેબસાઈટ-ન્યૂઝક્લિક અને ન્યૂઝલૉન્ડીનાં કાર્યાલયો પર આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી `સર્વે'ની કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
10 સપ્ટેમ્બરે આવકવેરાના અધિકારીઓએ આ બંને વેબસાઈટનાં કાર્યાલયોમાં તપાસ હાથ ધરી હતી જે આખો દિવસ ચાલી હતી. અધિકારીઓએ કાર્યવાહીને `સર્વે'નું નામ આપ્યું હતું પરંતુ ન્યૂઝલોન્ડ્રીના સહસ્થાપક અભિનંદન સેખરીએ પોતાના નિવેદનમાં આ કાર્યવાહીને તેમના અધિકારો અને અખબારી સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. આવકવેરા અધિકારીઓએ સેખરીના મોબાઈલ ફોન, લેપટોપ અને ઓફિસના અન્ય ઉપકરણો ક્લોન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.  એડિટર્સ ગિલ્ડે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહીમાં પત્રકારોનો ડેટા જપ્ત કરવો જેમાં કેટલીક સંવેદનશીલ માહિતી, માહિતીના સ્રોત વગેરે હોઈ શકે છે એ અખબારી સ્વાતંત્ર્ય પર હુમલા સમાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer