કાલથી શરૂ થતું સંસદનું ચોમાસું સત્ર તોફાની રહેશે

કાલથી શરૂ થતું સંસદનું ચોમાસું સત્ર તોફાની રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 17 : સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસું સત્ર તોફાની બની રહે એવી શક્યતા છે. વિપક્ષ કોરોનાની ખતરનાક બીજી લહેર, રસી નીતિ, ખેડૂત આંદોલન, ઈંધણના ભાવમાં વધારો, સામાન્ય ફુગાવો, ભારત-ચીન સંબંધથી તથા અન્ય અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. 
સરકાર પર પ્રહાર કરવા માટે વિપક્ષ સાથે સંકલન કરી વ્યૂહ બનાવવાની જવાબદારી કૉંગ્રેસે રાજ્યસભામાંના તેના નેતા મલ્લિકાર્જુન ખડગે પર નાખી છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ  બિન-કૉંગ્રેસી વિપક્ષ સાથે મળીને કે પછી કૉંગ્રેસ સાથે રહીને સરકાર પર હુમલો કરે છે કે એ જોવાનું રહે છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને શિકસ્ત આપ્યા બાદ તૃણમૂલ કૉંગ્રેસ જોશમાં છે એટલે એ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરશે એવી અપેક્ષા છે. 
તૃણમૂલ કૉંગ્રેસે સંસદમાં સરકારને ઘેરવાના સંકેત આપી દીધા છે. ભાજપના એક સમયના મિત્રપક્ષ શિરોમણિ અકાલી દળે વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, બીએસપી અને શિવસેનાનો ટેકો મેળવી લીધો છે. કૉંગ્રેસે બન્ને ગૃહમાં ચીન સાથેના સીમા વિવાદનો મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. 
સત્ર દરમિયાન ખેડૂત સંગઠનો સંસદ ભવનની બહાર આંદોલન કરવાના છે. આથી પ્રજાસત્તાક દિને આંદોલનકારી ખેડૂતોએ રાજધાનીમાં જે ધમાલ મચાવી હતી એનું પુનરાવર્તન ન થાય એ માટે સંસદ ભવનમાં માત્ર ઓળખપત્ર સાથેના લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. 
બીજી તરફ સરકાર પણ વિપક્ષના હુમલાનો જવાબ આપવા સજ્જ થઈ છે. આ ઉપરાંત સત્રમાં અનેક મહત્ત્વના ખરડા પણ રજૂ થવાના છે. 
સરકાર કોરોનાને કાબૂમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાં અને રસીની ખેંચનો મુદ્દો આંકડા સાથે વિપક્ષને જવાબ આપવા તૈયાર છે. સંસદનું સત્ર ખલેલ વગર ચાલે એ માટે રાજ્યસભાના નવા નેતા પીયૂષ ગોયલે અનેક પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી તેમનો સહકાર માગ્યો છે. તેઓ કૉંગ્રેસના મનમોહન સિંહ, આનંદ શર્મા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારને મળ્યા છે. સરકાર કેટલાક મુદ્દા પર ચર્ચાની છૂટ તો આપશે, પણ ખલેલ સામે પોતાનો અભિગમ એકદમ આકરો રાખશે. 
સત્ર બરાબર ચાલે એ હેતુસર લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ રવિવારે (આજે) વિવિધ પક્ષના નેતાને મળશે. જ્યારે ભાજપ પણ તેના તમામ મિત્રપક્ષોને સંકલિત વ્યૂહ માટે રવિવારે મળશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer