વડા પ્રધાન અને પવારની મુલાકાતની શિવસેના અને કૉંગ્રેસને અગાઉ જાણ કરાઈ હતી રાષ્ટ્રવાદી

સહકારી બૅન્કિંગ ક્ષેત્રમાં સુધારા વિશે વાતચીત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે લીધેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બૅન્કિંગ રેગ્યુલેશન ઍકટમાં સુધારા અને અન્ય વિષયો અંગે હતી. આ પૂર્વનિયોજિત બેઠક વિશે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના અને કૉંગ્રેસને તેની જાણ અગાઉ જ કરવામાં આવી હતી, એમ આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું.
મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે કૉંગ્રેસના મહામંત્રી એચ. કે. પાટીલે તાજેતરમાં તેમના પક્ષના અન્ય નેતાઓ સાથે શરદ પવારને મળ્યા હતા. તે સમયે આ બેઠકની જાણકારી આપવામાં આવી હતી. મોદી સાથેની મુલાકાત વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ અગાઉથી જાણકારી આપવામાં આવી હતી. સહકારી બૅન્કો અંગે રિઝર્વ બૅન્કને વધારે સત્તા આપવામાં આવી છે. તેના કારણે કો-અૉપરેટિવ બૅન્કની સત્તા ઉપર કાપ મુકાયો છે, એમ મલિકે ઉમેર્યું હતું. જોકે, પાટનગર દિલ્હીમાં ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર વચ્ચે મુલાકાતના અહેવાલોને મલિકે રદિયો આપ્યો હતો.
શરદ પવારે વડા પ્રધાનને સુપરત કરેલા પત્રની નકલ પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તરફથી બહાર પાડવામાં આવી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠકમાં રાજકારણ સિવાયના મુદ્દા વિશે ચર્ચા થઈ હતી.
`ભાજપ અને રાષ્ટ્રવાદી નદીના બે કિનારા સમાન, મિલન અશક્ય'
વડા પ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતને પગલે ભાજપ અને રાષ્ટ્રવાદી નિકટ આવશે એવી અટકળોને વિખેરી નાખતા નવાબ મલિકે જણાવ્યું હતું કે બન્ને પક્ષો નદીના બે કિનારા સમાન છે. તેઓનું ક્યારેય મિલન થઈ શકે એમ નથી. રાષ્ટ્રવાદી ભાજપ સાથે ક્યારેય હાથ મિલાવી શકે નહીં. તેનું કારણ બન્નેની વિચારસરણી તદ્દન અલગ છે. જ્યાં સુધી નદીમાં પાણી છે ત્યાં સુધી બન્ને પક્ષો સાથે આવી શકે નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer