કૈટ દેશભરમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 17 : કેન્દ્રીય મહિલા કલ્યાણ અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કૉન્ફડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ `કૈટ'ના બેનર હેઠળ દેશના વિભિન્ન રાજ્યોના વેપારીઓ સાથી તેમના મંત્રાલયમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે દેશના વેપારીઓ અત્યાર સુધી દેશના આર્થિક ચક્રને ચલાવવા માટે જાણીતા છે, પરંતુ સમગ્ર દેશમાં વેપારીઓ એક મોટા સામાજિક બદલાવ લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે સમય આવ્યો છે કે વડા પ્રધાનના બેટી બચાઓ, `બેટી પઢાઓ' અભિયાનને સમગ્ર દેશના વેપારી સંગઠનોએ એક મિશન તરીકે લેવું જોઇએ. એ સાથે દેશના તમામ બજારોમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી જોઇએ. દેશના નાના ગામોમાં પણ દુકાનો છે અને એ વિસ્તારની મહિલાઓ અને દીકરીઓના વેપારી વાલી બને તો દેશમાં કોઈ પણ મહિલા કે દીકરી સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં થાય, એમ `કેટ'ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું. 
`કૈટ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યુ કે, સ્મૃતિ ઇરાનીના આગ્રહને સ્વીકારી `કેટ' ટૂંક સમયમાં મહિલાઓની સુરક્ષા માટે અભિયાન શરૂ કરશે. દેશના આઠ કરોડ વેપારી મહિલાઓ અને દીકરીઓ પ્રત્યેની જવાબદારી સમજે છે અને તેમની સુરક્ષા અંગેની જવાબદારી નિભાવશે. એ માટે કેટ તૈયાર છે અને દેશના તમામ નાના-મોટા વેપારીઓના સહયોગ સાથે આ અભિયાનને આગળ લઈ જવાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer