કોરોના કાળમાં સ્વબળે ચૂંટણીના નારાથી લોકો પગરખાંથી મારશે ઠાકરે

કોરોના કાળમાં સ્વબળે ચૂંટણીના નારાથી લોકો પગરખાંથી મારશે ઠાકરે
શિવસેનાના સ્થાપના દિને `સાથી પાર્ટી' પર પ્રહાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં લોકો કોરોનાના ઉપદ્રવથી ચિંતામાં છે. ત્યારે સ્વબળે ચૂંટણી લડવાનો નારો આપશો તો લોકો પગરખાંથી મારશે એમ શિવસેનાના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
શિવસેનાના સ્થાપના દિવસ નિમિતે સોશિયલ મીડિયા દ્વારા શિવસૈનિકોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસનું નામ લીધા વિના આ મુજબ જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની ચિંતા બીજા લોકોએ કરવાની જરૂર નથી. શિવસૈનિકોની ઓળખ એ રક્તપાત નહીં પરંતુ રક્તદાન છે. રક્તપાત એ શિવસૈનિકોની ઓળખ નથી. શિવસેનાનો ગુણ અન્યાય ઉપર વાર (ઘા) કરવાનો છે. સત્તા માટે દેશમાં રાજકારણ વિકૃતિકરણમાં આવી રહ્યું છે. હિન્દુત્વ એ કોઈ પેટન્ટ કંપની નથી. મહાવિકાસ આઘાડીમાં ગયા એટલે હિન્દુત્વ છોડી દીધું એવું નથી. હિન્દુત્વ અમારા હૃદયમાં છે. પ્રાદેશિક અસ્મિતા કેવી રીતે જાળવવી તેનું દૃષ્ટાંત પ. બંગાળએ સારી રીતે રજૂ ર્ક્યું છે. વિવિધ પ્રકારના આંચકા અને હુમલા સહન કરીને બંગાળીઓએ પોતાને જે કહેવું છે તે કહ્યું, આ બાબત જ સ્વબળ છે. આપણો દેશ સંઘરાજ્ય છે. ભાષાવાર રાજ્ય રચના એ આપણા દેશની તાકાત છે. તેની અસ્મિતાનું જતન થવું જ જોઈએ. તે જોખમમાં મુકાશે તે દેશ ઉપર પણ સંકટ આવશે. અમે `જયહિંદ' અને પછી `જય મહારાષ્ટ્ર' કહીએ છીએ. અર્થાત્ પ્રથમ દેશ અને પછી રાજ્ય હિન્દુત્વ એ અમારું રાષ્ટ્રીયત્વ છે. પહેલા રાષ્ટ્રીયતા અને પછી પ્રાદેશિકતા. શિવસેનાએ હિન્દુત્વના રૂપમાં મહારાષ્ટ્ર અને દેશને આધાર આપ્યો છે સ્વબળ એ અભિમાન અને સ્વાભિમાનનું હોવું જોઈએ. સ્વબળે લડવું એ અમારો હક્ક છે. સ્વબળનો નારો માત્ર ચૂંટણી માટે નહીં પરંતુ અન્યાય વિરુદ્ધ લડવા માટે પણ હોય છે. સ્વબળ એ માત્ર ચૂંટણી માટે હોય એવુ નથી. સ્વબળ માટે પોતાની તાકાત જોઈએ છે, એમ ઉદ્ધવે કૉંગ્રેસનું નામ લીધા વિના ઉમેર્યું હતું.
કેટલાક લોકો સ્વબળે ચૂંટણી લડવાના નારા લગાવે છે. તો અમે પણ સ્વબળે લડવાના નારા આપી શકીએ છીએ. કૉંગ્રેસનું અને ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે સત્તા વિના કેટલાક લોકોના જાન બેચેન થાય છે. જેઓ તલવાર સુદ્ધાં ઉંચકી શકતા નથી તેઓ સ્વબળે ચૂંટણી લડવાની વાતો કરે છે એમ ઠાકરેએ પાટોળેનું નામ લીધા વિના ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer