મેટ્રો 2-એ અને સાત પર 20 કિ.મી. લાંબી મેટ્રોનું ડાયનામિક ટેસ્ટની શરૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી)એ મેટ્રો લાઇન 2-એ (દહિસરથી ડીએન નગર) અને મેટ્રો લાઇન (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) પર પ્રત્યક્ષ કામકાજ શરૂ કરવાની દિશામાં વધુ એક તબક્કાની શરૂઆત કરી છે. આજથી પહેલી પ્રોટોટાઇપ ટ્રેન ઉપલબ્ધ થતાં મેટ્રોલાઇન 2-એ અને 7 પરના દહાણુકરવાડીથી આરે દરમિયાન 20 કિલોમીટરના અંતરની ડાયનામિક અને દોડાવવાની ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. ટ્રેક્શન કન્ટ્રોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (ટીસીએમએસ)ના એકત્રીકરણથી ડાયનામિક રૂલ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. 
વિશ્વભરમાં લૉકડાઉન હોવાથી ઇટલી, જપાન, દક્ષિણ કોરિયા અને જર્મનીથી પ્રોટોટાઇપ ટ્રેન ચલાવવા માટે જરૂરી યંત્રણા અને પાર્ટ્સ આવવામાં વિલંબ થયો હતો. પરંતુ સતત કરાયેલા પ્રયત્નોને કારણે એ હવે ઉપલબ્ધ થયા છે. બધી ફ્લાઇટ્સ રદ થવાને કારણે ડેન્માર્ક, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ, સ્પેનથી નિષ્ણાતો એક વરસથી ઉપલબ્ધ નહોતા. એટલે ભારત, યુરોપ અને જપાન એમ ત્રણ અલગ ટાઇમ ઝોનમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પ્રોપ્યુલેશન અને બ્રેક સિસ્ટમનું સિક્રોનાઇઝેશન કરવામાં આવ્યું હતું. 
હવે આ ડાયનામિક ટેસ્ટના સમયગાળા દરમિયાન છ ડબાની પ્રોટોટાઇપ ટ્રેન અલગ અલગ ઝડપે દોડાવાશે. એ સાથે વિવિધ સિસ્ટમના ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ લગભગ બે મહિના ચાલશે અને એ પછી ભારત અર્થ મૂવર્સ દ્વારા તૈયાર કરાયેલી પહેલી પ્રોટોટાઇપ ટ્રેનની કામગીરી અને સેફ્ટી ટેસ્ટ માટે આરડીએસઓને સોંપાશે જેમાં બે મહિનાનો સમય લાગશે. એ પછી ટ્રેન રેલવે સેફ્ટી કમિશનરને ટેસ્ટિંગ અને પ્રમાણપત્ર મેળવવા મોકલાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer