ગુજરાતી રંગભૂમિની અભિનેત્રીઓ તરલા જોશી અને ફાલ્ગુની દેસાઈની આખરી ઍક્ઝિટ

ગુજરાતી રંગભૂમિની અભિનેત્રીઓ તરલા જોશી અને ફાલ્ગુની દેસાઈની આખરી ઍક્ઝિટ
મુંબઈ, તા. 5 : ચોવીસ કલાકમાં બે ગુજરાતી અભિનેત્રીઓ તરલા જોશી અને ફાલ્ગુની દેસાઈનાં નિધન થતાં નાટ્ય-ફિલ્મ જગતમાં શોકની લહેર છે.
કાંતિ મડિયાના સુપરહિટ નાટક મહામાનવમાં તરલા જોશીની દમદાર ભૂમિકાને દર્શકોનો ભારે પ્રતિસાદ મળતા લેખક પ્રવીણ સોલંકીએ એની એકોક્તિ બનાવી અને અંધેરી ભવન્સ ખાતે તરલા જોશી રજૂઆત કરતાં. નાટકનાં પાત્રની જેમ એકોક્તિને પણ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને એનું કારણ તરલા જોશીનો અભિનય. ગુજરાતી નાટકોને જાણીતા લેખક પ્રવીણ સોલંકીએ તરલા જોશીને યાદ કરતાં કહ્યું કે તરલા પાવરફુલ અભિનેત્રી હતાં. કાંતિ મડિયાનાં લગભગ તમામ નાટકોમાં તરલા જોશી હોય જ. 
પાંચ મહિના પહેલાં 92મો જન્મદિવસ ઊજવનારાં તરલા જોશીનું શુક્રવારે રાત્રે અવસાન થયું. પ્રવીણ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, અભિનય  અને રંગમંચ તેમનાં લોહીમાં વણાયેલાં હતાં. જ્યાં સુધી તેઓ કોઈનો હાથ પકડીને ચાલી શકતાં ત્યાં સુધી તેઓ થિયેટર પર આવતાં. તેમણે અમે બરફનાં પંખી, રમત શૂન્ય ચોકડીની ઉપરાંત આઇએનટીનાં પણ નાટકો કર્યાં હતાં. એ સિવાય ગુજરાતી ફિલ્મો દાદા હો દીકરી, મજિયારા હૈયા, અમે પરદેશી પાન જેવી અનેક ફિલ્મો કરી હતી. ઉપરાંત સારાભાઈ વર્સિસ સારાભાઈ, બંદિની અને એક હજારો મેં મેરી બહેના હૈ જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં પણ તેમની અભિનય પ્રતિભા દાખવી હતી. 
કોરોનાને કારણે અવસાન પામેલાં ફાલ્ગુની દેસાઈ અંગ્રેજી-હિન્દી-ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતાં હતાં. બળવંત અને બબલી જેવાં અનેક નાટકો અને સિરિયલમાં ભૂમિકા ભજવી ચૂકેલાં ફાલ્ગુની દેસાઈ ફિલ્મ-ટીવી સિરિયલમાં આવતાં સબ ટાઇટલ રાઇટર તરીકેની ખ્યાતિ ધરાવતાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer