અનલૉકની પ્રક્રિયા યોગ્ય રીતે થશે તો કોરોનાના કેસો ઘટશે : ડૉ. ગુલેરિયા

નવી દિલ્હી, તા.5: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેરને કારણે કોહરામ મચી ગયો હતો. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ હતી. બીજી લહેર હજી માંડ શાંત થઈ રહી છે ત્યારે લોકોમાં ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં ત્રીજી લહેરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણાં બધા સવાલોના જવાબ આપ્યા હતા. 
દેશભરમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, તેના વિષે ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે આગામી બે ત્રણ અઠવાડિયા અથવા આ મહિનાના અંત સુધીમાં કેસની સંખ્યા ઓછી થવી જોઈએ. અને અનલોકની  પ્રક્રિયા સટીક રીતે કરવામાં આવશે તો કેસની સંખ્યામાં વધારો નહીં થાય. કોરોનાની ત્રીજી લહેરની વાત કરતાં ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, 1918માં પણ જ્યારે મહામારી આવી હતી ત્યારે ઘણાં લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે પણ ત્રીજી લહેર આવી હતી પરંતુ ત્રીજી લહેરમાં બીજી લહેરની સરખામણીમાં કેસ ઘણાં ઓછા હતા. 
કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટર ગુલેરિયા આ વિષે જણાવે છે કે, ગ્લોબલ ડેટાની વાત કરીએ તો બીજી લહેરમાં યુવાઓ અને વયસ્કોમાં વધારે સંખ્યામાં કેસ જોવા મળ્યા. લોકોને હવે બાળકો વાયરસની ચપેટમાં આવશે તેનો ડર છે. જ્યાં સુધી બાળકોની વાત છે તો બાળકોમાં માઈલ્ડ ઈલનેસ જ જોવા મળશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer