મહારાષ્ટ્રમાં પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરી દેવાશે

મહારાષ્ટ્રમાં પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરી દેવાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં કોરોનાનો ઉપદ્રવ વકરી રહ્યો હોવાથી પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લીધા વિના જ પાસ કરવામાં આવશે એવી જાહેરાત આજે રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન વર્ષા ગાયકવાડે કરી છે.
વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓની સંખ્યા ફરી વધવાની શરૂઆત થઈ છે. પહેલાથી ચોથા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ શરૂ થઈ શકી નથી.
પાંચમાથી આઠમા ધોરણ માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો પણ આખા રાજ્યમાં બધે તે શરૂ થઈ શકી નહોતી.
વધુમાં જ્યાં શાળા શરૂ કરાઈ હતી ત્યાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાયો નથી. તેથી અમે પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચઢાવી દેવાનો એટલે કે પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ અધિકારના કાયદા અનુસાર વિદ્યાર્થીઓના આખા વર્ષનું મૂલ્યમાપન કરવામાં આવતું હોય છે પણ કોરોનાના ઉપદ્રવને લીધે તે થઈ શક્યું નથી એમ ગાયકવાડે ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer