કોરોનાગ્રસ્ત પોલીસ સાજો થઈને ઘરે આવ્યો; ચાર કલાકમાં મૃત્યુ પામ્યો

કોરોનાગ્રસ્ત પોલીસ સાજો થઈને ઘરે આવ્યો; ચાર કલાકમાં મૃત્યુ પામ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 30 : બૃહન્મુંબઈ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમિત પોલીસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 114 પોલીસ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. એ સાથે કોરોના સંક્રમિત પોલીસોની સંખ્યા 2325 પર પહોંચી છે. દુર્ભાગ્યે એક પોલીસનું કોરોનાને કારણે અવસાન થતાં મૃત્યુનો આંક 26 પર પહોંચ્યો છે. 
આઘાતજનક બાબત એ છે કે પોલીસ હવાલદાર દીપક હાટેનું કોરોનાની સારવાર બાદ અવસાન થયું છે. દીપક હાટે કોરોનાની સારવાર બાદ ઘરે પાછા ફર્યાના ચાર કલાકમાં જ તેમનું નિધન થયું હતું. 
53 વર્ષીય દીપક હાટે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. પ્રવાસી મજૂરોને તેમના વતન પાછા મોકલવાની ફરજ જે પોલીસોને સોંપવામાં આવી હતી એમાં દીપક હાટેનો પણ સમાવેશ હતો. ફરજ દરમ્યાન દીપક હાટેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. દીપક અને તેમના ત્રણ સહકર્મીને વરલીની નેશનલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતેના કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા. 
ગુરૂવારે રાત્રે 8.15 વાગ્યે હાટે ચાલીને વરલીસ્થિત પોલીસ કેમ્પના તેમના ઘરે પાછા ફર્યા. તેમને ચાલીને કેમ આવવું પડ્યું એવો સવાલ બધાએ ઉપસ્થિત 
કર્યો. હાટેની તબિયત સારી લાગતી નહોતી છતાં તેમને એક ગાડીમાં ઘરથી એક કિલોમીટર દૂર ઉતારી દેવાયા. ત્યાંથી તેઓ ચાલીને ઘરે આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. 
ઘરે પાછા આવેલા હાટેનું પડોશીઓએ તાળી વગાડી સ્વાગત કર્યું હતું. દીપક હાટેએ બધાને હાથ જોડી નમસ્કાર કર્યા અને પહેલા માળના તેમના નિવાસસ્થાને ગયા. પરંતુ રાત્રે એકાદ વાગ્યે તેમને ફરી શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્બ્યુલંસમાં નાયર હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થયું. 
એનએસસીઆઈ ડૉમના ડૉક્ટરે આપેલી જાણકારી મુજબ હાટેને ઉધરસ થઈ હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. તેમની રોજ તપાસવામાં આવતા હતા. ગુરૂવારે રજા આપવા અગાઉ તેમને તપાસવામાં આવ્યા હતા. અમે બધા નિયમોનું પાલન કર્યું છે. અમે બેસ્ટની બસની વ્યવસ્થા કરી હતી પણ તેમને પોતાની બાઈક પર ઘરે જવું હતું. 
મુંબઈ મહાપાલિકાના નિયમ મુજબ જો દરદીમાં લક્ષણ ન જણાય તો એને દસ દિવસે કોરોનાનો ટેસ્ટ કર્યા વગર રજા અપાય છે. આ કિસ્સામાં પણ કોરોનાના ટેસ્ટની આવશ્યકતા નહોતી. હાટેના પલ્સ, ઓક્સિજનનું સ્તર અને તાપમાનની ચકાસણી કર્યા બાદ રજા આપવામાં આવી હતી. તેઓ ઘરે જવાના હોવાથી ઘણા આનંદમાં હતા એમ ડૉક્ટરે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer