ફરજ દરમિયાન કોરોનાને લીધે મૃત્યુ પામતા કર્મચારીઓને પચાસ લાખનું વીમા કવચ

ફરજ દરમિયાન કોરોનાને લીધે મૃત્યુ પામતા કર્મચારીઓને પચાસ લાખનું વીમા કવચ
કાયમી, કરાર, કામચલાઉ સહિત માત્ર તબીબી જ નહીં અન્ય તમામ વિભાગોના કર્મચારીઓને પણ આવરી લેવાયા  
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 30 : મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસના રોગચાળા દરમિયાન સર્વેક્ષણ, ટ્રાસિંગ, ટ્રાકિંગ, ટેસ્ટ, સારવાર અને રાહત પ્રવૃત્તિઓમાં સક્રિય ફરજ પરના તમામ કર્મચારીઓને રૂપિયા 50 લાખનું વ્યાપક વ્યક્તિગત જીવન વીમા કવચ આપશે. 
રાજ્યના નાણાં વિભાગે શુક્રવારે એક સરકારી ઠરાવમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે, 28 માર્ચના હુકમમાં આરોગ્ય કર્મચારીઓ અને આરોગ્ય સંભાળ સંબંધિત કર્મચારીઓ માટે વીમા યોજના પૂરી પાડી છે. તેમ છતાં, અન્ય ઘણા વિભાગોના કર્મચારીઓ (જિલ્લા વહીવટ, પોલીસ, હોમગાર્ડઝ, આંગણવાડી કાર્યકરો, નાણાં અને તિજોરીના કર્મચારીઓ, ખાદ્ય અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા અને સેનિટેશન, અને અન્ય વિભાગ, જે સર્વેની કામગીરી માટે નિયુક્ત છે) પણ ફરજોમાં શામેલ છે તેમને આવું વીમા કવચ નથી મળ્યું.  હવે મહારાષ્ટ્ર સરકારે કમનસીબે જીવ ગુમાવવાની સ્થિતિમાં તેમના પરિવારોને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. નાણાં વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.  વીમા કંપનીઓ સાથે આ સંદર્ભેની કામગીરી કરવામાં આવી રહી છે.  સરકારના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે,  કોરોનાના કારણે ફરજ પરના કર્મચારીઓનાં મૃત્યુ થાય તેમના પરિવારોને રૂપિયા 50 લાખની સહાય આપવામાં આવશે. આ સહાય માટે  કર્મચારીએ તેના હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અથવા મૃત્યુ પહેલાંના 14 દિવસના ગાળામાં ફરજ પર હોવું જરૂરી છે. આ અંગેની ચકાસણી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અથવા નિયુક્ત વિભાગના વડા કરશે. તબીબી પ્રમાણપત્ર કે મૃત્યુ કોરોના સાથે સંબંધિત છે તે સરકારી, પાલિકા, આઇસીએમઆર દ્વારા સૂચિત ખાનગી હોસ્પિટલો અથવા પ્રયોગશાળાઓના અહેવાલોના આધારે કરવામાં આવશે.આ વીમા કવચમાં સમાવિષ્ટ કર્મચારીઓમાં તમામ કરાર, આઉટસોર્સિંગ,  દૈનિક વેતન, એડહોક, માનદ ધોરણે ફરજ પરના સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવશે. 
આ ઉપરાંત, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કરારના આધારે કામ કરતા ડોકટરો વચ્ચે સમાનતા લાવવા માટે તેમના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવેથી, આદિજાતિ વિસ્તારોમાં તેમના બોન્ડની સેવા આપતા ડોકટરોને 60,000 ને બદલે 75,000 મળશે.આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત નિષ્ણાંત ડોકટરોને અગાઉના 70,000 ની સરખામણીએ 85,000 ચૂકવવામાં આવશે. અન્ય વિસ્તારોમાં એમબીબીએસના ડોકટરોના માનદ વેતન 55,000 થી વધીને 70,000 કરાયા છે. અન્ય ક્ષેત્રના નિષ્ણાંત ડોકટરોને 65,000 ને બદલે 80,000 નું માનદવેતન મળશે, એમ ઠાકરેએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer