પાદરા નજીક `એમ્સ અૉક્સિજન'' કંપનીમાં બ્લાસ્ટ 8 મજૂરનાં મૃત્યુ

પાદરા નજીક `એમ્સ અૉક્સિજન'' કંપનીમાં બ્લાસ્ટ 8 મજૂરનાં મૃત્યુ
10 વધુ લોકોને ઇજા : 3 કિ.મી. સુધી ધરતી ધ્રૂજતા ભૂકંપ જેવો અનુભવ થયો 
વડોદરા જિલ્લાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં 8 મજૂરોના મૃત્યુ થયા હતાં અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં  ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતદેહોને વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રૂજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હાલ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે. આ કંપનીમાં આજે સવારે 10:55 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની આ ઘટનામાં 8 કામદારોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. મૃતક કામદારોમાં લોલા, મુવાલ અને ગવાસદના રહેવાસી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer