મધ્યપ્રદેશ `રેવા''નાં નામે રાજકારણ બંધ કરે રૂપાણી

મધ્યપ્રદેશ `રેવા''નાં નામે રાજકારણ બંધ કરે રૂપાણી
ગુજરાતને નર્મદાનું પાણી બંધ કરી દેવા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાને કરેલી ટિપ્પણીનો જડબાતોડ જવાબ

રાજકોટ, તા.20: નર્મદાનીરના મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશની સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદનો વંટોળ ઉભો થયો છે જેમાં મધ્યપ્રદેશના મંત્રી હનિસિંઘ બઘેલે વીજળીના મુદ્દે ગુજરાતને નર્મદાનું પાણી બંધ કરવાની ચિમકી ઉચ્ચારતા આજરોજ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વળતો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, `કોંગ્રેસે નર્મદાના મુદ્દે ગંદુ રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. નર્મદાનાં પાણીની વહેચણી ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 1979ના ચુકાદાથી કરવામાં આવી છે અને તેમાં લેશમાત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજ્યને અધિકાર નથી.'
રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના મંત્રી હનિસિંઘ બઘેલનું નિવેદન કમનશીબ અને રાજકીય છે. 40 વર્ષમાં પ્રથમવાર આ પ્રકારની ઘટના ઘટી છે. નર્મદા આધારિત ચારેય રાજ્યો વચ્ચે પાણીના મુદ્દે જળવાયેલા સહકારનાં વાતાવરણને ડહોળવાનો આ પ્રયાસ છે. કોંગ્રેસે નર્મદાના મુદ્દે ગંદુ રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. અગાઉ ડેમના દરવાજાની ઉંચાઈ વધારવા, બાંધકામ અટકાવવા જેવા અનેક મુદ્દે કોંગ્રેસે નર્મદા વિરોધી પેતાની માનસિકતા છતી કરી હતી અને હનિસિંઘનાં નિવેદન બાદ તે વધુ પ્રબળ બની છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, નર્મદાનાં પાણીની વહેચણી ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 1979ના ચુકાદાથી કરવામાં આવી છે અને તેમાં લેશમાત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજ્યને અધિકારી નથી. આ વહેંચણી ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ નર્મદા કંટ્રોલ ઓથોરિટી નામની સ્વાયત સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના હિસ્સાનું પાણી છોડવા મધ્યપ્રદેશ માટે બંધનકર્તા છે. ટ્રિબ્યુનલનો ચુકાદો ઐતિહાસિક છે અને 45 વર્ષ સુધી એટલે કે, વર્ષ 2024 સુધી એમાં ફેરફારને લગીરે અવકાશ નથી ત્યારે મધ્યપ્રદેશ પાણી છોડવા અંગે ગુજરાતને આવી ચેતવણી કે ધમકી આપે તે જરા પણ ઉચિત નથી. 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ઇંદિરાસાગર, ઓમકારેશ્વર તથા મહેશ્વર જેવી તેમની પરિયોજનાઓમાં જરૂરિયાત મુજબ વીજઉત્પાદન હાલમાં ચાલુ જ છે. જેમાં ગુજરાત સરકારને કોઈ વાંધે કે વિરોધ નથી. જ્યાં સુધી સરદાર સરોવર બંધનો પ્રશ્ન છે ત્યાં પણ 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ જ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદા મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer