વિન્ડિઝ પ્રવાસ માટે આજે ટીમની પસંદગી

વિન્ડિઝ પ્રવાસ માટે આજે ટીમની પસંદગી
મયંક અગ્રવાલ, નવદીપ સૈની જેવા નવા ચહેરાને મળી શકે છે સ્થાન

નવી દિલ્હી, તા. 20 : વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી 19 જુલાઈના રોજ થવાની હતી પણ પ્રશાસકોની સમિતિ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વચ્ચે નવા નિયમને લઈને અસ્પષ્ટતાના કારણે પસંદગી ટાળવામાં આવી હતી. હવે આવતીકાલે રવિવારે ત્રણ ઓગષ્ટથી શરૂ થનારા વિન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. આ ટીમમાં મયંક અગ્રવાલ, નવદિપ સૈનિ જેવા ચહેરા જોવા મળે તેવી શક્યતા છે. 
એમએસકે પ્રસાદની અધ્યક્ષતાની પાંચ સભ્યની પસંદગી સમિતિ દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બેસીને અંદાજીત બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી ટીમનું એલાન કરશે. સીઓએએ એક નવો નિયમ બહાર પાડયો છે. જેના હેઠળ પસંદગી સમિતિનું સંચાલન હવે સચિવ નહી કરે. મુખ્ય પસંદગીકર્તા ઉપર જ તમામ જવાબદારી રહેશે. જ્યારે પસંદગી સમિતિને કોઈપણ જાતની મંજૂરી માટે સચિવ કે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીની મંજૂરીની જરૂર રહેશે નહી. પહેલા પસંદગી સમિતિને ટીમની પસંદગી કે વૈકલ્પીક ખેલાડીઓ પસંદ કરવા માટે સીઈઓ કે સચિવની મંજૂરીની જરૂર રહેતી હતી. આ નિયમને લઈને અસમંજસને કારણે બીસીસીઆઈએ પસંદગી સમિતિની બેઠક બે દિવસ માટે ટાળી હતી. 
પહેલા એવા અહેવાલ સામે આવી રહ્યા હતા કે કેપ્ટન વિરાટ કોહલી સિમિત ઓવરમાં આરામ કરી શકે છે પરંતુ કોહલીએ સાફ કર્યું છે કે તે પસંદગી માટ ઉપલ્બધ રહેશે. જ્યારે વિશ્વકપ બાદ નિવૃત્તિની અટકળો લાગી રહી છે તેવા ધોનીએ આરામની માગણી કરી છે. તેવામાં ઋષભ પંત વિન્ડિઝ જશે. આ ઉપરાંત બીજા વિકેટ કિપરોના નામની પણ ચર્ચા થઈ શકે છે. બોલરોમાં અનુભવી બોલરને આરામ અપાતા નવદીપ સૈનીની પસંદગી પ્રમુખ છે.  બેટિંગમાં મયંક અગ્રવાલની પસંદગીની પુરી શક્યતા છે. ન્યુઝિલેન્ડ પ્રવાસે ગયેલા શુભમન ગીલે પણ ટીમમાં સ્થાન મળે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ટેસ્ટની વાત કરવામાં આવે તો ટીમના તમામ પ્રમુખ ખેલાડીઓ વાપસી કરી શકે છે.
પસંદગીકારોની બેઠકમાં `િસ્પ્લટ કેપ્ટન્સી' (મર્યાદિત ઓવર્સ અને ટેસ્ટ ટીમના અલગ સુકાની) મુદ્દે ચર્ચા થઇ શકે છે. જો કે વિન્ડિઝ પ્રવાસમાં અને એ પછી પણ ત્રણેય ફોર્મેટનો નિયમિત સુકાની તો વિરાટ કોહલી જ બની રહેશે. પહેલા એવી ચર્ચા હતી કે વન ડે-ટી-20માં રોહિત શર્માને નેતૃત્વ સોંપવામાં આવે અને વિરાટ ફકત ટેસ્ટની કમાન સંભાળે, પણ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer