આતુરતાનો અંત આવતા સપ્તાહે ગુજરાતમાં મેઘાની પધરામણી

ગરમીથી લોકો ત્રાહિમામ : અમદાવાદમાં રેડ એલર્ટ પારો 45 ડિગ્રીથી વધશે!

અમદાવાદ, તા. 8 : દેશમાં કેરળ મારફતે ચોમાસાની એન્ટ્રી કરી છે. આ ઉપરાંત અનેક રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. દરમિયાન ગુજરાતમાં આગામી 13મી જૂન પછી ચોમાસું બેસવાની શક્યતા છે. ગઇકાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વલસાડ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડયો છે. 
ગુજરાતમાં અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા કેટલાય દિવસોથી આકાશમાંથી અંગાર વરસી રહ્યા હોય તેવી લોકોને અનુભૂતિ થઇ રહી છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે તાપમાનનો પારો 45 થી વધુ જઇ શકે છે જેને લઇ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાને રેકોર્ડ તોડયો છે. ગઇકાલે રાજ્યના સૌથી ગરમ શહેર સાથે સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત પાણીની સમસ્યાનો સામનો કરતી રાજ્યની પ્રજા હવે ચોમાસાના આગમનની રાહ જોઇ રહ્યા છે ત્યારે રાજ્યની પ્રજાને હવે વરસાદ માટે લાંબો સમય સુધી રાહ જોવી નહીં પડે. હવામાન વિભાગ અનુસાર આગામી તા.13મી જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે તેમજ આ વખતે ચોમાસું સારૂં અને લાંબુ રહેશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. એટલું જ નહીં વલસાડ અને નવસારી સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો. આ એક્ટિવિટિને હવામાન વિભાગ પ્રિ-મોન્સૂન એક્ટિવિટિ માની રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે લોકોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસું બેસે છે. ગત વર્ષે 23 જૂનના રોજ ચોમાસું બેસ્યું હતું. ગત વર્ષે 76 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2017માં 112 ટકા અને વર્ષ 2016માં 91 ટકા વરસાદ નોંધાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer