વિન્ડિઝ 45 રનમાં સમેટાયું : ઈંગ્લૅન્ડની 127 રને જીત

વિન્ડિઝ 45 રનમાં સમેટાયું : ઈંગ્લૅન્ડની 127 રને જીત
182 રનના પડકારનો સામનો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ધબડકો : ઈંગ્લૅન્ડે ટી20 શ્રેણી જીતી
 
બેસ્ટેરે, તા. 9 : ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજા ટી20 આંતરરાષ્ટ્રીયમાં રેકોર્ડ 137 રને જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. શુક્રવારના રોજ રમાયેલા મેચમાં મહેમાન ટીમે 182-6 રનનો સ્કોર કર્યો હતો અને પછી કેરેબિયન ટીમને માત્ર 45 રનમાં સમેટી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ બિલિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા 87 રન કર્યા હતા અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડના સ્કોરનો પીછો કરતા 12 ઓવર પણ રમી શકી નહોતી. જેનાથી ઈંગ્લેન્ડને ટી20માં તેની સૌથી મોટી જીત મળી હતી. ઈંગ્લેન્ડના ક્રિસ વોર્ડને 6 રનમાં ચાર વિકેટ લઈને વિન્ડિઝ ટીમની કમર તોડી નાખી હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. જોની બેયરસ્ટો, એલેક્સ હેલ્સ, ઈયોન મોર્ગન અને ડેનલી શરૂઆતની 5 ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ જો રુટ અને બિલિંગ્સે મળીને ઈંગ્લેન્ડનો દાવ સંભાળ્યો હતો. જેમાં રુટે 36 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. બન્નેએ મળીને 55 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. જો કે રુટ 16મી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ બિલિંગ્સે વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ધોવાણ શરૂ કર્યું હતું અને ડેવિડ વિલિની બે જ ઓવરમાં 44 રન ઝુડી કાઢ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer