સાથીઓના મૃતદેહના ટુકડા ઉઠાવવા મારા માટે સૌથી પીડાદાયક

સાથીઓના મૃતદેહના ટુકડા ઉઠાવવા મારા માટે સૌથી પીડાદાયક
પુલવામા હુમલામાં સેકન્ડની દૂરીએ બચી ગયેલા રાજસ્થાનના જવાને વર્ણવી આપવીતી

જયપુર, તા. 16: ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં રાજસ્થાનના એક સીઆરપીએફ જવાન રાજકુમાર ઝાઝરિયાનો જીવ બચી ગયો હતો પણ રાજ્યના પાંચ અન્ય જવાનોએ હુમલામાં પ્રાણોની કુરબાની આપી હતી. રાજકુમાર સીઆરપીએફના કાફલાની એક બસ ચલાવતા હતા અને તેમની બસ આગળ અન્ય બે બસ હતી જેના ઉપર આત્મઘાતી હુમલો થયો હતો. રાજકુમારે ઘટનાનું વર્ણન કરતા કહ્યું હતું કે, પોતાના મિત્રોના ક્ષત વિક્ષત થયેલા મૃતદેહોને ઉઠાવવા ખૂબ જ દર્દનાક સમય હતો. 
સીઆરપીએફ જવાન રાજકુમારના કહેવા પ્રમાણે પુલવામા હુમલો જીવનની સૌથી ભયાનક યાદ બની રહેશે. રાજકુમારે કહ્યું હતું કે, હું જે બસ ચલાવતો હતો તેની આગળ બીજી બે બસ હતી. બધાએ એકાએક જોરદાર ધડાકો સાંભળ્યો હતો. જેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હશે. આતંકવાદી હુમલો થયા બાદ તાકીદે અન્ય જવાનોએ પોઝિશન લીધી હતી. જ્યારે અન્ય તરફથી અમુક આતંકી ગોળીબાર કરી રહ્યા હતા. જેને જવાનો જવાબ આપી રહ્યા હતા. રાજકુમારે ઉમેર્યું હતું કે, હુમલા બાદ ચારે તરફ મૃતદેહો ફેલાયા હતા અને તમામ મિત્રો હતા. તેઓની સાથે એક મેસમાં ભોજન કરતા હતા અને ફરજ પણ બજાવી હતી. આ જ મિત્રોના ક્ષત વિક્ષત મૃતદેહોને ઉઠાવવા એક ખૂબ પીડાદાયક સમય હતો. અમુક બનાવમાં તો સાથી જવાનોના શબને અન્ય ભાગ સાથે જોડીને ઓળખવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. રાજકુમાર 2010માં સીઆરપીએફમાં સામેલ થયા હતા અને છત્તીસગઢમાં તૈનાત હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer