મુફ્તી મોહમ્મદની સરકારે સેના સાથે સામાન્ય વાહનોની

અવરજવરને આપી હતી મંજૂરી
નિયમો હળવા ન થયા હોત તો પુલવામા હુમલો રોકાય તેવી સંભાવના હતી
શ્રીનગર, તા. 16 : પુલવામા આત્મઘાતી હુમલામાં જવાનો શહીદ થયા બાદ આ હુમલાની તપાસ તેજ બની છે. આ દરમિયાન એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષામાં ઢીલ દેવામાં આવી હોવાથી જવાનોએ પ્રાણોની કુરબાની આપવી પડી હતી. અગાઉ 2002-03 પહેલા જવાનોના કાફલાને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવતો હતો પરંતુ 2002-05 વચ્ચે મુફ્તી મોહમ્મદ સઈદની સરકાર દરમિયાન સામાન્ય લોકોની અસુવિધા દૂર કરવા માટે નિયમોમાં ઢીલ દેવામાં આવી હતી. 
અગાઉ સુરક્ષા દળોનો કાફલો જે સમયે હાઈ વે ઉપરથી પસાર થયો હતો ત્યારે લોકોની અવર જવર રોકી દેવામાં આવતી હતી. આ દરમિયાન એક પાયલોટ વ્હીકલ લોકોના વાહનોને હાઈ વેથી દૂર રાખવાનું કામ કરતા હતા. આ નિયમથી લોકોની અસુવિધામાં વધારો થતો હતો. સઈદ સરકારે ફેંસલો લીધો હતો કે આ નિયમને દૂર કરવામાં આવે. કેન્દ્ર સરકારે પણ સઈદ સરકારની માગણીનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ પૂરા રસ્તા ઉપર આઈઈડીની તપાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આતંકવાદીઓને રોકવા અન્ય બંદોબસ્ત શરૂ થયો હતો. જો કે વિશેષજ્ઞોના માનવા પ્રમાણે પુલવામા હુમલો જે રીતે થયો તેમાં એક એક કારની તપાસ થઈ હોત તો જ કારમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો ભર્યા હોવાની જાણ થવાની શક્યતા હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી અને ગૃહ મંત્રાલયના સલાહકાર અશોક પ્રસાદના કહેવા પ્રમાણે હુમલા રોકવા માટે સેનાનો કાફલો પસાર થાય ત્યારે લોકોનાં વાહનોને રસ્તા ઉપરથી દૂર રાખવા જ સૌથી સારો વિકલ્પ છે. આ ઉપરાંત બીએસએફ અને સીઆરપીએફના કાફલા માટે સ્વતંત્ર વાયુ સેવા હોવી જોઈએ. જેથી ઈમરજન્સી સમયે જવાનોને એરલિફ્ટ કરી શકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer