કાંદાના ભાવ તળિયે : ખેડૂતો એક કાંદા પર એક કાંદો ફ્રી આપી રહ્યા છે

મુંબઈ, તા. 5 : નવા વર્ષે પણ કાંદાનો પાક લેનારા ખેડૂતોની દુખદ ગાથા યથાવત્ રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કાંદાના ભાવ ન્યૂનતમ સપાટીએ રહ્યા હોઈ વેપારીઓ ખાસ કરી જૂના સ્ટૉક પર ભારે વળતર આપી રહ્યા છે.
રાજ્યમાં કાંદા માટેની સૌથી મોટી નાસિક માર્કેટમાં કાંદા વેચવા માટે `એક ક્વિંટલ પર એક ક્વિંટલ' અર્થાત્ `એક પર એક મફત'ની વ્યૂહનીતિય અપનાવવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ કર્મચારીએ જણાવ્યું હતું કે કાંદાનો સંપૂર્ણ સ્ટૉક ખાલી કરવા ઉપરાંત ભાવ વધુ નીચા ન જાય તે માટે આમ કરાઈ રહ્યું છે. માર્કેટમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાંદાનો તદ્દન જૂનો સ્ટૉક ક્વિંટલ દીઠ રૂા. 100થી રૂા. 300ના ભાવે વેચાઈ રહ્યો છે.
એક વખત આ લેવડદેવડ પૂર્ણ થઈ એટલે ખરીદનારને દરેક ક્વિંટલ દીઠ એક વધારાનો ક્વિંટલ માલ આપવામાં આવશે. વેપારીઓ નથી ઈચ્છતા કે કાંદાનો ભાવ કિલોના એક રૂપિયા કરતાં પણ ઓછો થઈ ગયો છે. એવો સંદેશો ફેલાય, એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
લાસલગાંવ સ્થિત એગ્રિકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના અધ્યક્ષ જયદત્ત હોલકરે જણાવ્યું હતું કે કાંદાના વધુપડતા પુરવઠાને લીધે ભાવ ગગડયા છે. ખેડૂતો પણ તેમના જૂના સ્ટૉકનો નિકાલ લાવવા માટે ઉતાવળા થયા છે, જેથી કાંદાની નવી આવકોના સંગ્રહ માટે જગ્યા કરી શકાય.
કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કાંદાના ઊંચા ખરીફ પાકને કારણે પણ મહારાષ્ટ્રમાં તેની માગ ઘટી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પહેલી નવેમ્બરથી 15 દિસેમ્બર 2018 સુધી કાંદા પર કિલો દીઠ બે રૂપિયાની સબસિડી જાહેર કરી સ્થિતિને સુધારવાના પ્રયાસો કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer