નોટબંધી, જીએસટીએ માર્યો અર્થતંત્રને ફટકો : રઘુરામ રાજન

નોટબંધી, જીએસટીએ માર્યો અર્થતંત્રને ફટકો : રઘુરામ રાજન
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરના મતે એનપીએ માટે મોટા પાયે `સફાઈ અભિયાન'ની જરૂરિયાત
 
નવી દિલ્હી, તા. 10: રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કહેવા પ્રમાણે નોટબંધી અને જીએસટીના કારણે ગત વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થયો હતો. વધુમાં રાજને કહ્યું હતું કે, વર્તમાન 7 ટકાનો વિકાસ દર ભારતની જરૂરિયાતો માટે પૂરતો નથી. એનપીએ બાબતે પણ પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાનું વલણ રાખતા કહ્યું હતું કે, એનપીએ માટે મોટાપાયે સફાઈ અભિયાનની જરૂરિયાત છે. જેનાથી બેન્કોનું ફસાયેલું કરજ સાફ થઈ શકે અને ફરી એક વખત બેન્કો આર્થિક રીતે પાટે ચડી શકે. જો કે આ કામગીરી માટે માત્ર બેન્કરપ્સી કોડ ઉપયોગી નીવડી શકે નહીં. 
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં લોકોને સંબોધિત કરતા રઘુરામ રાજને કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટી લાગુ થયાનાં ચાર વર્ષ પહેલા સુધી ભારતનો વિકાસ દર ખૂબ ઝડપી રહ્યો હતો. ત્યારબાદ નોટબંધી અને જીએસટી એકપછી એક એમ બે ઝટકા લાગતા ભારતના આર્થિક વિકાસની ગતિને અસર પડી હતી. વધુમાં જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉછાળો જોવા મળી રહ્યો હતો તેવા જ સમયે ભારતનો આર્થિક વિકાસ ઘટયો હતો. 
રાજને ઉમેર્યું હતું કે, 25 વર્ષ સુધી દર વર્ષે 7 ટકાનો વિકાસ દર મજબૂત વૃદ્ધિ છે પણ આ એક રીતે હિંદુ રેટ ઓફ ગ્રોથની જેવી છે જેને પહેલા 3.5 ટકા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આઝાદી મળ્યા બાદ દેશની અર્થવ્યવસ્થા માટે હિંદુ રેટ ઓફ ગ્રોથનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેનો અર્થ ખૂબ નબળી આર્થિક વૃદ્ધિ સાથે હતો. રાજને ભાર દઈને કહ્યું હતું કે, સાત ટકાનો વૃદ્ધિ દર શ્રમ બજારમાંથી આવતા લોકો માટે પર્યાપ્ત નથી અને તેઓને રોજગાર આપવાની તાતી જરૂરિયાત છે. આ જ કારણથી વિકાસ દરમાં હજી પણ વધારાને અવકાશ છે. 
ઊર્જા જરૂરિયાતો માટે ક્રૂડની આયાત ઉપર નિર્ભરતા મામલે રાજને કહ્યું હતું કે, ભલે દેશ નોટબંધી અને જીએસટીની બાધામાંથી ઉગરી રહ્યો હોય પણ ક્રૂડની કિંમતમાં વધારો આર્થિક વિકાસ માટે પડકારરૂપ બની રહેશે. આ ઉપરાંત એનપીએ બાબતે રાજને પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે, એનપીએમાંથી ઉગરવા માટે સફાઈ અભિયાનની જરૂરિયાત છે. માત્ર બેન્કરપ્સી કોડથી મદદ નહીં મળે પણ ક્લીન અપ અભિયાન મારફતે ફસાયેલા કરજને સાફ કરવાની જરૂર છે અને આ કાર્યવાહીથી જ બેન્કની બેલેન્સ શીટ સાફ થશે અને બેન્કો ફરી પાટે ચડશે. રાજને કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારત ત્રણ પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. જેમાં પહેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ત્યારબાદ વીજળી ક્ષેત્ર અને બેન્કોની એનપીએનો નંબર આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer