ગીરના સિંહોને માનવ અતિક્રમણ અને હસ્તક્ષેપથી મુક્ત કરો : પરિમલ નથવાણી

ગીરના સિંહોને માનવ અતિક્રમણ અને હસ્તક્ષેપથી મુક્ત કરો : પરિમલ નથવાણી
અમદાવાદ, તા. 13 : વિશ્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય તથા બૃહદ ગીર વિસ્તારમાં દલખાણિયા રેન્જમાં સપ્ટેમ્બર 12, 2018થી અત્યાર સુધીમાં થયેલાં 23 સિંહોનાં મોતને ધ્યાનમાં લેતાં વન્યજીવ પ્રેમી અને રાજ્યસભા સાંસદ  પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારને ગીરમાં એશિયાઈ સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પૂરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ. અને યુરોપમાંથી વિદેશી પશુચિકિત્સા નિષ્ણાતોની ટીમ બોલાવવા માટે વિનંતી કરી છે. 
નથવાણીએ જણાવ્યું હતું કે ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની બહાર સુધી ફેલાયેલા સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે. લગભગ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે 15-20 ગામડાં ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં લગભગ 30 ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે અને સરકારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. ``આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલો છે,'' એમ તેમણે જણાવ્યું હતું. 
તેમણે યાદ કરાવ્યું હતું કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સી.ડી.વી.) અને પ્રોટોઝોન ચેપને કારણે સન 1994માં તાંઝાનિયાના સેરેનગેટી રિઝર્વમાં લગભગ 1000 સિંહોનાં મોત નીપજ્યાં હતાં. ``આફ્રિકા, યુ.એસ. અને યુરોપના નિષ્ણાત પશુચિકિત્સકો આ રોગચાળાને કારણે થતાં સિંહોના મૃત્યુને રોકવાનો અનુભવ ધરાવે છે તેથી ભારત સરકાર અને ગુજરાત સરકારે તેમનો સંપર્ક કરીને તેમને ગીરમાં લઈ આવવા જોઈએ. આ નિષ્ણાતો સિંહોની આરોગ્ય ચકાસણીમાં અને રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે,'' એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું. 
તેમણે વધુમાં કહ્યું કે સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સરવાર માટેની સુવિધા અપૂરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખર તો સિંહો માટે ખાસ ઇન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઈએ જેથી બીમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતાં લાવતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય. 
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર પાસે જંગલમાં રખડતાં કૂતરાંઓના ત્રાસને રોકવા માટે પણ કોઈ યોજના નથી. સી.ડી.વી.નો ચેપ કૂતરાઓને પણ લાગે છે અને તેમના દ્વારા પણ આ રોગ ફેલાય છે. જો સરકાર નીલ ગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કૂતરાઓના ત્રાસને દૂર કરવા માટે પણ વિચારણા કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. 
 નથવાણીએ જણાવ્યું હતું કે ગીરમાં પ્રવાસનને ઉત્તેજન આપવું તે સારી વાત છે પણ વન વિભાગે દેશમાં ટાઈગર રિઝર્વ્સમાંથી શીખ મેળવવી જોઈએ જ્યાં દરેક રિઝર્વમાં ટૂરિઝમ કેપેસીટી ફૉર્મ્યુલાના ઉપયોગથી વન્યજીવોને થતા માનવ હસ્તક્ષેપને નિયંત્રિત કરવામાં આવે છે. 
માત્ર ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ગર્વ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત અને ભારત સરકાર વધારે ધ્યાન આપે તે માટેનો સમય પાકી ગયો છે, એમ નથવાણીએ જણાવ્યું હતું. સિંહોના લાંબા ગાળાનાં સંવર્ધનના ભાગરૂપે, ઈકો-સેન્સિટિવ ઝોનનો વિસ્તાર વધારવો જોઈએ. પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન વિભાગના સૂચન અનુસાર ઈકો-સેન્સિટિવ ઝોન સુરક્ષિત વિસ્તારથી 10 કિલોમીટર સુધીનો હોઈ શકે છે, પરંતુ ગુજરાતમાં આ વિસ્તાર સુરક્ષિત વિસ્તારની સરહદથી માત્ર 100-500 મીટર જેટલો જ છે, એમ નથવાણીએ જણાવ્યું હતું. 
તેમણે એમ પણ જણાવ્યું કે ગીર જંગલ આસપાસના રેવન્યુ ક્ષેત્રમાંથી થોડા સિંહોને જામનગર-પોરબંદરની પાસેના બરડા ડુંગરનાં જંગલ તથા વાંકાનેર પાસે રામપરા-વીરડીના જંગલમાં ખસેડવા જોઈએ કારણકે આ જંગલ વિસ્તારોનું વાતાવરણ ગીરને મળતું આવે છે અને સિંહોને અનુકૂળ પણ છે. 
રાજ્યસભા સાંસદ નથવાણીએ છેલ્લા એક દશકમાં રાજ્યસભામાં અનેક વખત સિંહોને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેઓ સિંહને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાના મુદ્દાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે `પ્રોજેક્ટ ટાઈગર' અને `પ્રેજેક્ટ એલિફન્ટ' અનુસાર `પ્રેજેક્ટ લાયન' શરૂ કરવાની અને ગીરમાં સિંહોના સંવર્ધન માટેના લાંબા ગાળાના પ્રયાસ તરીકે માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે વધારે નાણાં ફાળવવાની હિમાયત પણ કરી છે. 
 નથવાણીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના વન મંત્રી ગણપતાસિંહ વસાવાને પત્રો લખ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer